હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી
સાત મહિના સુધી સોફ્ટવેરમાં ઓનલાઇન પેમેન્ટની ખોટી એન્ટ્રીઓ કરી રોકડ રકમ સગેવગે કરી; છ મહિના બાદ હિસાબની તપાસમાં ભાંડો ફૂટ્યો, ચાર વર્ષથી નોકરી કરતી મહિલા સામે ગુનો
અગ્ર ગુજરાત, રાજકોટ
હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ફી વસૂલવાની અને તેની નોંધ રાખવાની જવાબદારી જેના શિરે હતી, તે જ રિસેપ્શનિસ્ટે વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી હોસ્પિટલની તિજોરીને મોટો ફટકો માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં ફરજ બજાવતી રિસેપ્શનિસ્ટે સાત મહિના દરમિયાન રૂ.5.20 લાખની રોકડ રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. દર્દીઓ પાસેથી રોકડમાં વસૂલાત કરવામાં આવતી ફી બેંકમાં જમા કરાવવાને બદલે સોફ્ટવેરમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે જમા થઈ ગઈ હોવાનું દર્શાવી કથિત રીતે ખોટી એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. જોકે, હોસ્પિટલના હિસાબો અને બેંકની વિગતો સરખાવવામાં આવતાં આ ગેરરીતિનો પર્દાફાશ થયો હતો.
આ મામલે યુનિવર્સિટી રોડ પર રહેતા અને સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના સંચાલક ડો. હાર્દિક ગીરીશકુમાર સંઘાણી (ઉ.વ.42)એ ફરિયાદ નોંધાવતાં બી-ડિવિઝન પોલીસે સંતકબીર રોડ પર રહેતી રીંકલબેન જીગ્નેશભાઈ ભાલુ (ઉ.વ.31) સામે ઉચાપતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રીંકલબેન છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતાં હતાં. તેમની મુખ્ય જવાબદારી હોસ્પિટલના કેશ કાઉન્ટર પર બેસીને દર્દીઓ પાસેથી સારવારની ફી વસૂલવાની અને તેની નોંધ રાખવાની હતી. તેઓ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી કેશ કાઉન્ટરની કામગીરી સંભાળતાં હતાં. આ દરમિયાન દર્દીઓ પાસેથી રોકડમાં મળતી રકમ અને ઓનલાઇન મળતી ફીની એન્ટ્રીઓ હોસ્પિટલના સોફ્ટવેરમાં કરવાની જવાબદારી પણ તેમની પાસે હતી.
આ જ કામગીરીનો લાભ લઈને રોકડ રકમની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી રોકડમાં ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ સોફ્ટવેરમાં આ રકમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે બેંકમાં જમા થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવતું હતું. પરિણામે સોફ્ટવેરમાં પેમેન્ટની નોંધ તો થઈ જતી હતી, પરંતુ વાસ્તવિક રોકડ રકમ બેંક સુધી પહોંચતી ન હોવાની સ્થિતિ સર્જાઈ હતી. આ રીતે અલગ અલગ સમયે ખોટી એન્ટ્રીઓ કરીને રકમ અંગત ઉપયોગમાં લેવામાં આવી હોવાનો આક્ષેપ છે.
હોસ્પિટલના સંચાલકોને શરૂઆતમાં આ ગેરરીતિની જાણ થઈ નહોતી. જોકે, તા.31 ઓક્ટોબરના રોજ ડોક્ટર અને હોસ્પિટલના મેનેજર દ્વારા હિસાબોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલના સોફ્ટવેરમાં દર્શાવેલી પેમેન્ટની વિગતો અને બેંકમાં ખરેખર જમા થયેલી રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. જેથી શંકા જતાં જૂના હિસાબો પણ તપાસવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં કુલ રૂ.5,20,500ની રોકડ રકમ બેંકમાં જમા થઈ ન હોવાનું સામે આવ્યું હતું. સોફ્ટવેરમાં ઓનલાઇન પેમેન્ટની એન્ટ્રી હોવા છતાં બેંકના ખાતામાં તે રકમ ન દેખાતાં હોસ્પિટલના સંચાલકો ચોંકી ઊઠ્યા હતા. ત્યારબાદ કેશ કાઉન્ટરની જવાબદારી સંભાળતી રિસેપ્શનિસ્ટની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી હતી.
તા.3 નવેમ્બરના રોજ હોસ્પિટલના સંચાલક દ્વારા રીંકલબેનને બોલાવીને હિસાબમાં જોવા મળેલી વિસંગતતા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેઓ સંતોષકારક જવાબ આપી શક્યાં નહોતાં. મામલો ગંભીર બનતાં 112 જનરક્ષકને બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન રીંકલબેને ઉચાપત કરેલી રકમ અંગત ઉપયોગમાં લીધી હોવાનું કબૂલ્યું હતું. આખરે હોસ્પિટલના સંચાલકે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર નાણાકીય વ્યવહાર, સોફ્ટવેરમાં થયેલી એન્ટ્રીઓ અને બેંકના રેકોર્ડના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર વર્ષથી વિશ્વાસપૂર્વક કેશ કાઉન્ટરની જવાબદારી સંભાળતી કર્મચારી સામે જ લાખોની ઉચાપતનો આક્ષેપ થતાં હોસ્પિટલ વર્તુળમાં પણ ચર્ચા જાગી છે. દર્દીઓ પાસેથી વસૂલાત થતી રોકડ રકમ અને બેંકમાં જમા થતી રકમ વચ્ચે નિયમિત સરખામણી ન થાય તો આવી ગેરરીતિ લાંબા સમય સુધી ધ્યાન બહાર રહી શકે છે, તે બાબત પણ આ બનાવમાં સામે આવી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં કેટલા વ્યવહારોમાં ખોટી એન્ટ્રીઓ થઈ અને ઉચાપતની રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.


