ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા
ગોંડલના પાચિયાવદરની વાડીમાં જુગાર દરોડામાં 1.32 લાખ રોકડા, ત્રણ વાહન અને આઠ મોબાઈલ મળી રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના પર્વમાં ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરી ધનપ્રાપ્તિની કામના કરવાના બદલે કેટલાક શખ્સો જુગારના પાટલે બેસી ધન ખાટવાની પેરવીમાં હતા. જોકે, ગોંડલના પાચિયાવદર ગામની સીમમાં વાડીના મકાનમાં જુગારની મહેફિલ ચાલી રહી હતી ત્યાં જ રાજકોટ રૂરલ એલસીબીની ટીમ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડી વાડી માલિક સહિત આઠ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી રૂ.1.32 લાખની રોકડ, ત્રણ વાહનો અને આઠ મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસની વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસને અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એલસીબી પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી.
આ દરમિયાન પીએસઆઈ એચ.સી. ગોહિલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના પાચિયાવદર ગામની સીમમાં આવેલી એક વાડીના મકાનમાં વાડી માલિક હરેશ પઢારિયા બહારથી માણસોને બોલાવી પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક વાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા વાડી માલિક હરેશ ભગવાનજી પઢારિયા (ઉ.વ.44, રહે. ખરેડા, તા. કોટડા સાંગાણી), પરેશ ભીખા પીપળીયા (ઉ.વ.44), મોહિત હરસુખ હરસોડા (ઉ.વ.27) અને નિખિલ લક્ષ્મણ પીપળીયા (ઉ.વ.36, ત્રણેય રહે. કોઠારીયા ગામ, રાજકોટ), પ્રવીણ લાખા જાદવ (ઉ.વ.34), રોહિત લાલજી ખુમાણ (ઉ.વ.28), ભગીરથ માવજી સિંધવ (ઉ.વ.35) તથા મહેશ મનજી ચાવડા (ઉ.વ.42, ચારેય રહે. ખરેડા, તા. કોટડા સાંગાણી)ને ઝડપી લીધા હતા.
દરોડા દરમિયાન જુગારના સ્થળેથી રૂ.1.32 લાખની રોકડ રકમ, આઠ મોબાઈલ ફોન અને ત્રણ વાહનો મળી કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ધનતેરસના દિવસે જ જુગારની મહેફિલ પર પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.


