બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને બાપુ સ્વામી હરિચરણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સંપન્ન થશે સેવાયજ્ઞ; ભક્તો માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ સામે, ભૂપેન્દ્ર રોડ) આગામી કાળી ચૌદશના અવસરે એક અત્યંત દિવ્ય અને અલૌકિક ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ બાલાજી મંદિર દ્વારા તા.૭ નવેમ્બર, શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાક દરમિયાન ‘૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ’ યોજાશે.
આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજય સમાન કાળી ચૌદશ તેમજ શનિવારના આ પવિત્ર સંયોગે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ૧૦૦થી વધુ યજ્ઞકુંડમાં આહુતિઓ અર્પણ કરવામાં આવશે. મહાયજ્ઞના માધ્યમથી સમસ્ત માનવજાતની રક્ષા, સુખ-શાંતિ અને નગરમાં સમૃદ્ધિ વધે તે માટે કષ્ટભંજન બાલાજી દાદાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરવામાં આવશે.
આ મારુતી મહાયજ્ઞ ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે યોજાઈ રહ્યો છે. આ અવસરે બાપુ સ્વામી હરિચરણદાસજી સ્વામી (રાજકોટ) વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને દર્શન અને આશીર્વાદ પાઠવશે.
આ સમગ્ર ભવ્ય આયોજન મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ રહ્યું છે.
આ મહાયજ્ઞ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા તમામ ભક્તોએ મંદિર કાર્યાલય (ઓફિસ) ખાતે રૂબરૂ જઈને પોતાનું નામ અગાઉથી નોંધાવી લેવાનું રહેશે. યજ્ઞની પવિત્ર મર્યાદા જળવાઈ રહે તે હેતુથી યજ્ઞમાં બેસનાર પુરુષ ભક્તોએ સફેદ વસ્ત્રો (કુર્તા-પાયજામા/ધોતી) માં તેમજ સ્ત્રી ભક્તોએ લાલ સાડી અથવા લાલ ડ્રેસ પહેરીને પધારવાનું રહેશે.
યજ્ઞમાં યજમાન તરીકે જોડાવવા અથવા વધુ વિગતો માટે મિલનભાઈ: 89282 47808, ધર્મેશભાઈ પટેલ: 97232 08309 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. સમસ્ત રાજકોટ તથા સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને આ અલૌકિક મારુતી મહાયજ્ઞમાં દર્શન અને પૂજનનો લાભ લઈ બાલાજી દાદાની અસીમ કૃપા પ્રાપ્ત કરવા મંદિર પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


