રાજ્યના 282થી વધુ વકીલ મંડળોની 18 ડિસેમ્બરે એકસાથે ચૂંટણી
ગુજરાત બાર કાઉન્સિલે જાહેર કર્યો સત્તાવાર કાર્યક્રમ; 1થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, 30 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યભરના 282થી વધુ વકીલમંડળોની ચૂંટણીને લઈને ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યરત બાર એસોસિએશનોમાં આગામી 18 ડિસેમ્બર, 2026ના રોજ એક જ દિવસે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઉમેદવારીથી લઈને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ અને પરિણામો જાહેર કરવા સુધીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે જ મહિલાઓ માટે 30 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈનો અમલ પણ કરવાનો રહેશે.
ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ચૂંટણી કાર્યક્રમ અંગે નિર્ણય લઈને સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી હતી. કાર્યક્રમ મુજબ, રાજ્યનાં તમામ બાર એસોસિએશનોએ પોતાના સભ્ય વકીલોની યાદી 20 નવેમ્બર, 2026 સુધીમાં બાર કાઉન્સિલની કચેરીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ મતદારયાદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ૨૩ નવેમ્બરના રોજ તમામ બાર એસોસિએશનોએ મતદારયાદી પોતાના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની રહેશે. યાદી અંગે કોઈ વાંધો કે તકરાર હોય તો ૨૫થી ૨૭ નવેમ્બર દરમિયાન ચૂંટણી કમિશનર સમક્ષ રજૂ કરી શકાશે. આ વાંધાઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૩૦ નવેમ્બરે આખરી મતદારયાદી જાહેર કરવાની રહેશે.
ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ૧થી ૫ ડિસેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારીપત્રોની ચકાસણી ૭ ડિસેમ્બરે થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૮ ડિસેમ્બર રહેશે. ત્યારબાદ ૯ ડિસેમ્બરે ચૂંટણી લડનારા ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. અંતે ૧૮ ડિસેમ્બરે મતદાનની પ્રક્રિયા હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે.
આ ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ૩૦ ટકા બેઠકો અનામત રાખવાની રહેશે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ બાર એસોસિએશનોમાં મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈનો અમલ કરવાનો રહેશે. આ અનામત બેઠકોમાં એક્ઝિક્યુટિવ મેમ્બર અથવા ખજાનચી (ટ્રેઝરર) જેવી જગ્યાઓનો સમાવેશ થઈ શકે છે. સંબંધિત બાર એસોસિએશનોએ આ જોગવાઈને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવાની રહેશે.
ગુજરાત બાર કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બાર એસોસિએશન પોતાની સામાન્ય સભામાં માત્ર ઠરાવ પસાર કરીને હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણૂક કરી શકશે નહીં. જ્યાં ચૂંટણી યોજવાની થતી હોય ત્યાં ગુજરાત બાર એસોસિએશન રૂલ્સ-૨૦૧૫ના નિયમ ૪૯ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી ફરજિયાત રહેશે. ૧૮ ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ જાહેર થયેલાં પરિણામો ગુજરાત બાર કાઉન્સિલની કચેરીમાં મોકલવાનાં રહેશે. પરિણામ અંગે કોઈ ઉમેદવાર કે વકીલને વાંધો હોય તો ગુજરાત બાર એસોસિએશન રૂલ્સ-૨૦૧૫ના નિયમ ૪૯(જી) મુજબ પરિણામ જાહેર થયાના દસ દિવસની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ ફરિયાદ કરી શકાશે. રાજ્યભરના ૨૮૨થી વધુ વકીલમંડળોમાં એકસાથે યોજાનારી આ ચૂંટણીને પગલે હવે મતદારયાદી તૈયાર કરવા, ઉમેદવારી નોંધાવવા અને ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ પૂર્ણ કરવા માટેની પ્રક્રિયા શરૂ થશે. તમામ બાર એસોસિએશનોએ જાહેર કરાયેલા નિયમો અને સમયમર્યાદાનું પાલન કરવાનું રહેશે.


