પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો
ગોવર્ધન ચોક પાસે માધવવાટિકા પાર્કના ગ્રાઉન્ડમાં એક કારમાંથી ભભૂકેલી આગે અન્ય ચાર કારને ઝપેટમાં લીધી; મવડી-કણકોટ રોડ પર શ્યામલ-ઉપવન બિલ્ડિંગના આઠમા માળે પણ આગ, ફાયરબ્રિગેડે બંને સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં ફાયર વિભાગ દોડતું થયું હતું. ગોવર્ધન ચોક નજીક આવેલા માધવવાટિકા પાર્કના સાર્વજનિક ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી પાંચ મોટરકાર એકસાથે આગની લપેટમાં આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ મવડી-કણકોટ રોડ પર આવેલા શ્યામલ-ઉપવન હાઈરાઈઝ બિલ્ડિંગમાં આઠમા માળે લાગેલી આગ ઉપરના માળ સુધી પ્રસરી હતી. બંને બનાવોમાં ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોવર્ધન ચોક પાસે માધવવાટિકા પાર્કના સાર્વજનિક ગ્રાઉન્ડમાં કેટલીક કાર પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન એક કારમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી અન્ય ચાર કાર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આમ, એકસાથે પાંચ કાર આગમાં લપેટાતાં આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને દોડધામ મચી હતી. બનાવની જાણ 112 કંટ્રોલ રૂમને કરવામાં આવતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.
બીજી ઘટનામાં રાજકોટના મવડી-કણકોટ રોડ પર આવેલા શ્યામલ-ઉપવન હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. બિલ્ડિંગના આઠમા માળે લિફ્ટના પેસેજમાંથી આગની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે આગ તથા ધુમાડો ઉપરના માળ સુધી ફેલાતાં દસમા માળ સુધી અસર પહોંચી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ બિલ્ડિંગમાં રહેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.
શહેરમાં એક જ સમયે અલગ-અલગ વિસ્તારોમાં આગની બે ઘટનાઓ બનતાં ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી. જોકે, બંને સ્થળે સમયસર બચાવ કામગીરી હાથ ધરાતાં મોટી જાનહાનિ ટળી હતી.


