વોકહાર્ટ હોસ્પિટલની ગૌરવપૂર્ણ 20 વર્ષની સફર
બે દાયકામાં 20 લાખથી વધુ દર્દીઓનો ભરોસો જીતતી વોકહાર્ટ હોસ્પિટલ
માર્કેટિંગ હેડ પાર્થ પટેલે ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની લીધી શુભેચ્છા મુલાકાત ; 14 લાખથી વધુ OPD અને બે લાખ ઇમરજન્સી દર્દીઓની સારવાર સાથે સૌરાષ્ટ્રના આરોગ્યક્ષેત્રમાં વિશ્વાસનાં બે દાયકા પૂર્ણ
227 બેડ, 48 ક્રિટિકલ કેર બેડ, બે હાઈટેક કેથ લેબ અને અદ્યતન ટેક્નોલોજીથી સૌરાષ્ટ્રના આરોગ્યક્ષેત્રમાં મજબૂત સ્થાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને સૌરાષ્ટ્રના આરોગ્યક્ષેત્રમાં બે દાયકાની સફર પૂર્ણ કરવી એ માત્ર વર્ષોની ગણતરી નથી, પરંતુ લાખો દર્દીઓના વિશ્વાસ, હજારો પરિવારોની આશા અને અનેક જિંદગીઓને નવજીવન આપવાની સેવાભાવનાની સાક્ષી છે. રાજકોટની એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સે સફળતાપૂર્વક આરોગ્યસેવાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ બે દાયકા દરમિયાન હોસ્પિટલ દ્વારા 20 લાખથી વધુ દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી છે, જેમાં 14 લાખથી વધુ OPD દર્દીઓ અને બે લાખ જેટલા ઇમરજન્સી દર્દીઓનો સમાવેશ થાય છે. આધુનિક ટેક્નોલોજી, નિષ્ણાત તબીબો અને સુપર-સ્પેશિયાલિટી સારવારના સમન્વયથી વોકહાર્ટ હોસ્પિટલ આજે સૌરાષ્ટ્રના આરોગ્યક્ષેત્રમાં વિશ્વાસનું એક મહત્વપૂર્ણ નામ બની છે.
વોકહાર્ટ હોસ્પિટલના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ પાર્થ પટેલે ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાત દરમિયાન હોસ્પિટલની 20 વર્ષની સેવાયાત્રાની વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે, બે દાયકાની આ સફર દર્દીઓના વિશ્વાસ અને સમગ્ર મેડિકલ ટીમના સમર્પણનું પરિણામ છે. શરૂઆતથી અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા બદલાતા સમય અને દર્દીઓની જરૂરિયાત પ્રમાણે સારવારની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવ્યો છે. ગંભીર બીમારીઓથી લઈને જટિલ સર્જરી સુધીની સારવાર રાજકોટમાં જ ઉપલબ્ધ બને તે દિશામાં હોસ્પિટલ સતત આગળ વધી છે.
હૃદયરોગ, ન્યૂરોસાયન્સિસ, કેન્સર, ઓર્થોપેડિક્સ, ગેસ્ટ્રો સાયન્સિસ, યુરોલોજી, ક્રિટિકલ કેર, જનરલ સર્જરી અને મિનિમલ એક્સેસ સર્જરી જેવી વિવિધ સુપર-સ્પેશિયાલિટી સેવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અગાઉ ગંભીર સારવાર કે જટિલ સર્જરી માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને મોટા શહેરો તરફ દોડવું પડતું હતું. પરંતુ હવે આધુનિક તબીબી સુવિધાઓ અને અનુભવી નિષ્ણાત તબીબોની ટીમના કારણે અનેક પ્રકારની સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની છે.
આધુનિક સારવાર માટે જરૂરી માળખાકીય સુવિધાઓમાં પણ વોકહાર્ટ હોસ્પિટલ સજ્જ છે. હોસ્પિટલમાં હાલમાં 227 બેડ, 48 ક્રિટિકલ કેર બેડ અને સાત આધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત છે. આ ઉપરાંત બે હાઈ-એન્ડ કેથ લેબ, 128-સ્લાઇસ CT સ્કેનર, 1.5 ટેસ્લા MRI, ડાયાલિસિસ સહિતની અદ્યતન નિદાન અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓના કારણે હૃદયરોગથી લઈને ગંભીર અકસ્માતો અને જટિલ બીમારીઓમાં દર્દીઓને સમયસર સારવાર આપવાનું શક્ય બન્યું છે.
આરોગ્યની કટોકટી ક્યારેય સમય જોઈને આવતી નથી. હૃદયરોગનો હુમલો હોય, ગંભીર અકસ્માત હોય કે અન્ય કોઈ જીવલેણ પરિસ્થિતિ, તેમાં સારવારની દરેક મિનિટ કિંમતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી અને ક્રિટિકલ કેર સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. અલગ અલગ સ્પેશિયાલિટીના નિષ્ણાત તબીબો વચ્ચેના સંકલનથી ગંભીર દર્દીઓને મલ્ટિડિસિપ્લિનરી સારવાર પૂરી પાડવામાં આવે છે.
આ પ્રસંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટના સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલ માટે 20 વર્ષ પૂર્ણ થવું અત્યંત ગૌરવ અને આનંદની બાબત છે. આ સફર અમારા દર્દીઓના વિશ્વાસ, ડૉક્ટરો અને સમગ્ર આરોગ્યસેવા ટીમના સમર્પણ તથા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વધુ સારી અને અદ્યતન આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. આવનારા વર્ષોમાં પણ વધુ અદ્યતન, સલામત અને સંવેદનશીલ સારવાર લોકો સુધી પહોંચાડવી અમારી પ્રાથમિકતા રહેશે. હોસ્પિટલ મેનેજમેન્ટે આ બે દાયકાની સફરમાં જોડાયેલા તબીબો, સર્જનો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓ, વહીવટી ટીમ અને અન્ય સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો છે. સામાજિક, સેવાકીય, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આરોગ્ય જાગૃતિ, દર્દી સહાય, રક્તદાન અને મેડિકલ કેમ્પ જેવી પ્રવૃત્તિઓમાં આપેલા સહયોગને યાદ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અખબારો, ટેલિવિઝન ચેનલો, ડિજિટલ મીડિયા અને પત્રકારમિત્રોએ આરોગ્યલક્ષી માહિતી તથા જનજાગૃતિના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં ભજવેલી ભૂમિકાની પણ હોસ્પિટલ દ્વારા સરાહના કરવામાં આવી હતી. હોસ્પિટલના મતે, આ સમગ્ર સેવાયાત્રાના કેન્દ્રમાં દર્દીઓ અને તેમના પરિવારોનો વિશ્વાસ રહ્યો છે.
20 વર્ષની સિદ્ધિ બાદ વોકહાર્ટ હોસ્પિટલ હવે નવી ટેક્નોલોજી અને આધુનિક સારવાર પદ્ધતિઓનો વધુ વ્યાપક ઉપયોગ કરવા સાથે પ્રિવેન્ટિવ હેલ્થકેર, ઇમરજન્સી અને ક્રિટિકલ કેર સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, સેમિનારો અને લોકોપયોગી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવશે, જેથી સામાન્ય લોકોમાં બીમારીઓ અંગે જાગૃતિ વધે અને સમયસર નિદાન તથા સારવારનું મહત્વ સમજાય.
હોસ્પિટલનો સંદેશ પણ એટલો જ ભાવનાત્મક છે કે, દરેક દર્દી માત્ર એક કેસ કે નોંધણી નંબર નથી, પરંતુ પરિવારનો એક ભાગ છે. દર્દીની પીડા દૂર કરવી જવાબદારી છે, તેની આશા પ્રેરણાબળ છે અને તેનું સ્વસ્થ જીવન સૌથી મોટી સફળતા છે. બે દાયકાની આ સિદ્ધિને અંતિમ મુકામ નહીં, પરંતુ નવી જવાબદારીની શરૂઆત ગણાવતાં સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલ અને સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ પાર્થ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોના અવિરત વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


