શિયાળાની શરૂઆતમાં બદલાયેલી મૌસમ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાનું યલો એલર્ટ
દ્વારકા, જામનગર, પોરબંદરમાં અતિ ભારે, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં છુટા છવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારમાં નવેમ્બરમાં માવઠાનો ખતરો : દિવાળીમાં નવો તૈયાર થયેલ પાક ધોવાઇ જવાનો ડર, ખેડૂતો પર ચિંતાના વાદળો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. એક તરફ રાજ્યમાં શિયાળુ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. શિયાળાની શરૂઆતમાં જ વરસાદ પડતાં લોકોને ચોમાસાની યાદ આવી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ હવામાનના બદલાતા મિજાજથી પરેશાન છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર રહેશે.
ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો નવેમ્બર મહિનામાં પણ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત કચ્છમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે નવેમ્બરમાં પણ વરસાદની આગાહીએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.
માવઠાથી ખેડૂતોને મોટો ફટકો, મગફળી-સોયાબીનના પાકને નુકસાન
કમોસમી વરસાદને કારણે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને લણણીની તૈયારી વચ્ચે અચાનક વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેતીમાં પહેલેથી જ ખર્ચ વધી રહ્યો છે, ત્યારે કુદરતી આફતના રૂપમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.
અર્બન બાદ મુરાસુ વાવાઝોડુ સક્રિય
દિવાળી પહેલા હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આજે 2 નવેમ્બર 2026ના ઉત્તરપ્રદેશ-બિહાર, ઓડિશા અને દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 90 કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં ઠંડક આવવાથી ઉત્તર ભારતમાં 7-8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આંધ્ર પ્રદેશમાં ચક્રવાતી તોફાન અર્નબની તબાહી બાદ બંગાળની ખાડીની ઉપર વાવાઝોડું મરાસુ પણ બની ગયું છે. આ ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાને પાર કરશે. તેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવાર (2 નવેમ્બર) એ દિલ્હી, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા, કર્ણાટક, સિક્કિમ, અસમ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને એલર્ટ રહેવાનું કહ્યું છે.
અલનીનોની અસર : ગરમી અને દુષ્કાળનો ખતરો 35% વધ્યો
પેસિફિક મહાસાગરમાં ઝડપથી મજબૂત બની રહેલો અલ નીનો ભારત માટે ગંભીર હવામાન સંકટની ચેતવણી આપી રહ્યો છે. વિશ્વ હવામાન સંગઠનના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરી 2027 સુધી અલ નીનોની સ્થિતિ યથાવત્ રહેવાની લગભગ 100 ટકા સંભાવના છે. તેની અસરથી તાપમાન અને વરસાદની પેટર્નમાં ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંશોધન મુજબ ભારતમાં લૂ અને દુષ્કાળ (Drought)ની સંયુક્ત અસરનો ભૌગોલિક વિસ્તાર 10 ટકાથી વધીને 35 ટકા થયો છે. આ સ્થિતિ ખેતી, પશુપાલન, પીવાના પાણી અને ગ્રામીણ અર્થતંત્ર માટે મોટો પડકાર બની શકે છે. હવે સવાલ એ છે કે સંભવિત સંકટ સામે ભારત કેટલું તૈયાર છે?
અલ નીનો પેસિફિક મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધી જવાની કુદરતી હવામાન પ્રક્રિયા છે. તેની અસર માત્ર સમુદ્ર પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ વિશ્વભરના તાપમાન, પવન અને વરસાદની પેટર્નને પણ અસર કરી શકે છે. ભારત માટે અલ નીનો ચિંતાનો વિષય એટલા માટે છે કે તેની અસર ઘણી વખત ભારતીય ચોમાસાને નબળું પાડે છે. પરિણામે વરસાદમાં ઘટાડો, લાંબો સૂકો સમયગાળો અને પાણીની અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, અલ નીનો હોય એટલે ભારતમાં દરેક જગ્યાએ દુષ્કાળ જ પડશે એવું નથી. ભારતીય મહાસાગરની સ્થિતિ, ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD) અને અન્ય હવામાન પરિબળો પણ ચોમાસાને અસર કરે છે.


