NDPS કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ચાર્જશીટ રજૂ થયા વિના આરોપીના જામીન મંજૂર
ધોળકા નજીક કારમાંથી કફ સિરપની ૧૧૭ બોટલો ઝડપાયાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયા જામીન
અગ્ર ગુજરાત, રાજકોટ
એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલા એક ચર્ચિત ગુનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાર્જશીટ રજૂ થયા વિના (વિધાઉટ ચાર્જશીટ) આરોપીના શરતી જામીન મંજૂર કરવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ધોળકા નજીક લાણાથી ખાનપુર તરફ જતા રોડની સાઈડમાં રોડથી નીચે ઉતરી ગયેલી એક સ્કોડા કારમાંથી કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન, પાસ-પરમિટ કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ નશાકારક ‘રેક્સક્રોન ટી’ કંપનીની કોડીન ફોસ્ફેટ અને ટ્રીપ્રોલિડાઈન હાઈડ્રોક્લોરાઈડ ઘટક ધરાવતી ૧૦૦ એમ.એલ.ની ૧૧૭ કફ સિરપની બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ જામીન અરજી નામંજૂર કરી હતી.
સેશન્સ કોર્ટમાંથી જામીન ના મંજૂર થતાં, આરોપી વતી રાજકોટના એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં વિધાઉટ ચાર્જશીટ રેગ્યુલર બેઈલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. તમામ પક્ષોની દલીલો અને કેસના તથ્યો ધ્યાને લીધા બાદ, હાઈકોર્ટે તા.૨૧/૧૦/૨૦૨૬ના રોજ આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી અને યોગ્ય શરતોને આધીન આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં આરોપી પક્ષે PB LAW FIRM વતી એડવોકેટ ભાવેશકુમાર એમ. જેઠવા, નયનાવતી એસ. જેઠવા, મહેશ વી. હાંડા, અને પ્રતિક બી. રાઠોડ રોકાયા હતા. જ્યારે કાનૂની ટીમમાં સહાયક તરીકે ઓફિસ આસિસ્ટન્ટ વનરાજસિંહ જે. ઝાલા, પારૂલ એન. રાઠવા તેમજ નાઝમીન જે. મંઘરાએ મહત્વની કામગીરી બજાવી હતી.


