રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું
4 નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ સેફ્ટી અને સંચાલન ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામવંથલી–અલિયાબાડા રેલ સેક્શનની નવનિર્મિત રેલવે લાઇન પર 2 નવેમ્બર, 2026ની સવારથી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ આવી હતી.
આ જ ક્રમમાં 4 નવેમ્બર, 2026ના રોજ રેલવે સેફ્ટી કમિશનર, પશ્ચિમ સર્કલ, મુંબઈ દ્વારા નવનિર્મિત રેલવે લાઇનનું સેફ્ટી નિરીક્ષણ અને સ્પીડ ટેસ્ટ કરવામાં આવશે. આ નિરીક્ષણ સવારે 08:00 વાગ્યાથી રાત્રે 20:00 વાગ્યા સુધી નિર્ધારિત છે. આ દરમિયાન રેલવે લાઇનની સેફ્ટી, સ્થિરતા અને તકનીકી માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ઊંચી ઝડપે સુરક્ષિત અને સરળ રેલ સંચાલન સુનિશ્ચિત કરી શકાય.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે સ્પીડ ટ્રાયલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ (electric એન્જિન) સાથે ઓસિલેશન મોનિટરિંગ સિસ્ટમ (OMS) ની મદદથી કરવામાં આવશે. આ પ્રણાલી દ્વારા રેલ એન્જિનના ઓસિલેશન અને ગતિશીલ પ્રવૃત્તિઓ પર નજર રાખીને 130 કિમી/કલાકની ઝડપે સુરક્ષિત રેલ સંચાલનની યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
રેલવે સેફ્ટી કમિશનર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ આ નવી લાઇન પર નિયમિત રેલ સંચાલન શરૂ કરી દેવામાં આવશે. આનાથી સેક્શનની સંચાલન ક્ષમતામાં વધારો થશે અને મુસાફરોને વધુ સુગમ મુસાફરીની સુવિધા મળશે.


