જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો
વિરપુર પોલીસ મથકે માજી સરપંચ વિરૂધ્ધ ફરિયાદ
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર સેલુકા ગામે ગ્રામ પંચાયતના સરકારી ખરાબાની જગ્યામાં આંગણવાડી બનાવવાના મુદ્દે વર્તમાન સરપંચ અને માજી સરપંચ સામસામે આવી ગયા હોવાની ઘટના સામે આવી છે. સરકારી જગ્યામાં નવી આંગણવાડીનું નિર્માણ મંજૂરી સાથે થઈ રહ્યું હોવા છતાં, માજી સરપંચે આ બાબતે વિરોધ દર્શાવી વર્તમાન સરપંચ સાથે બોલાચાલી કરી શારીરિક હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ, સેલુકા ગામના વર્તમાન સરપંચ મનિષભાઈ કિશોરભાઈ ભેડા (ઉં.વ. ૩૦) ગામના સરકારી ખરાબામાં નવી આંગણવાડી બનાવવા માંગે છે, જેનું આગામી તારીખ ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ ખાતમુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે બપોરના આશરે દોઢ વાગ્યાની આસપાસ સરપંચ મનિષભાઈ કોઈ કામસર જેતપુર સરકારી દવાખાને ગયા હતા, ત્યારે ગામના માજી સરપંચ જેન્તીભાઈ સોમાભાઈ ગુજરાતીએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. માજી સરપંચે ફોન પર ઉગ્ર સુરમાં પૂછ્યું હતું કે, “તમે તમારી મરજીથી આંગણવાડી કેમ બનાવો છો?” જેથી હાલના સરપંચે જણાવ્યું હતું કે સરકારે આ માટે યોગ્ય મંજૂરી આપેલી છે.
ત્યારબાદ માજી સરપંચે તેમને રૂબરૂ ગામમાં બોલાવ્યા હતા. સરપંચ મનિષભાઈ સેલુકા ગામે નિર્ધારિત આંગણવાડીની જગ્યા પર પહોંચતા જ માજી સરપંચ જેન્તીભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. વિવાદ વધતા માજી સરપંચે મનિષભાઈને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરપંચે હાથ આડો ધરી દેતા બચાવ થયો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી, જેમાં માજી સરપંચે વર્તમાન સરપંચને નાકના ભાગે, ડાબા ખંભા નીચે અને છાતીના ભાગે નખ મારી દીધા હતા. એટલું જ નહીં, તેમને ધક્કો મારીને નીચે પછાડી દેતા ડાબા પગના ઘૂંટણમાં અને ડાબા હાથની કોણીમાં મૂઢ ઈજાઓ થઈ હતી.
આ હુમલા બાદ સરપંચ મનિષભાઈએ તેમના પિતા કિશોરભાઈને ફોન દ્વારા જાણ કરી હતી અને સારવાર માટે તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મનિષભાઈ ભેડાની ફરિયાદના આધારે વિરપુર પોલીસે માજી સરપંચ જેન્તીભાઈ સોમાભાઈ ગુજરાતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨) અને ૧૨૧(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમુ સિંગલ જેતપુર


