નોટીફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિનખેતીની ફરજીયાત મંજૂરીની જોગવાઇ દૂર કરવા તૈયારીઓ
મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી બીન જરૂરી વહિવટી અવરોધો દૂરકરવા સરકારનો આશય
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ઉદ્યોગો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગ (TP) વિસ્તારો અને નોટિફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિનખેતી (NA-નોન એગ્રીકલ્ચર)ની ફરજિયાત મંજૂરીની જોગવાઈ દૂર કરવા સૈદ્ધાંતિક રીતે તૈયાર થઈ છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં થાય તેવી શક્યતા છે. સરકાર જાન્યુઆરી-2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આ નિર્ણયનો અમલ કરવા ઇચ્છે છે. જોકે, ખેતી હેઠળની જમીન માટે NAની મંજૂરી ફરજિયાત જ રહેશે અને તેમાં કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે.
રાજ્ય સરકારના આ સંભવિત નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ (EoDB) અંતર્ગત જમીનના ઉપયોગને લગતી પ્રક્રિયાઓ સરળ બનાવવાનો અને ઉદ્યોગો સહિતના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી મેળવવામાં થતો વિલંબ ઘટાડવાનો છે. ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણો આવી રહ્યા છે ત્યારે ઉદ્યોગ સ્થાપવા માટેની વહીવટી પ્રક્રિયા સરળ બને અને પ્રોજેક્ટ્સ સમયસર શરૂ થઈ શકે તે દિશામાં આ નિર્ણય મહત્ત્વનો સાબિત થઈ શકે છે.
સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, NAની મંજૂરી મેળવવાની હાલની પ્રક્રિયા ઘણી વખત લાંબી અને જટિલ બની જાય છે. તેના કારણે ઔદ્યોગિક એકમો સહિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં વિલંબ થાય છે. આ ઉપરાંત, NAની મંજૂરી આપવાની પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ સામે આવતી રહી છે. આવી સ્થિતિમાં પ્રક્રિયાને સરળ બનાવીને બિનજરૂરી વહીવટી અવરોધો દૂર કરવાનો સરકારનો આશય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટી.પી. વિસ્તારમાં કોઇ જમીનમાં ગણોત કે અન્ય મહેસૂલના કાયદાનો વિવાદ હોય તો તે જમીન NA થશે નહીં તેમજ નજીવા કારણોસર સરકારશ્રી થયેલી જમીનનો વિવાદ પણ યથાવત્ રહેશે એટલે સરકાર આ અંગે કોઇપણ નિર્ણય કરતાં પહેલા પુખ્ત વિચારણા કરશે. તેમજ ગણોતધારો જે જમીનમાં લાગુ હોય તો તે જમીન NA થશે કે કેમ તેની પણ સ્પષ્ટતા કરવામાં આવશે.
હાલમાં NAની મંજૂરી મેળવવામાં થતો વિલંબ માત્ર ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ પૂરતો મર્યાદિત નથી. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ, હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને મિશ્ર ઉપયોગવાળા (મિક્સ્ડ-યુઝ) પ્રોજેક્ટ્સને પણ NAની અરજીઓની પ્રક્રિયામાં વિલંબના કારણે અસર થતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આવા પ્રોજેક્ટ્સમાં જમીનના ઉપયોગને લગતી મંજૂરી મેળવવામાં વધુ સમય લાગવાથી બાંધકામ, રોકાણ અને પ્રોજેક્ટ શરૂ કરવાની સમયમર્યાદા પર અસર પડે છે. જો સરકાર આ જોગવાઈ દૂર કરે તો નિર્ધારિત ટાઉન પ્લાનિંગ અને નોટિફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં જમીનના ઉપયોગને લગતી પ્રક્રિયા સરળ બની શકે છે. ખાસ કરીને ઉદ્યોગો સ્થાપવા ઇચ્છતા રોકાણકારો, બિલ્ડરો અને અન્ય પ્રોજેક્ટ ડેવલપર્સ માટે વહીવટી પ્રક્રિયાનો બોજ ઘટવાની શક્યતા છે. જોકે, આ ફેરફાર હેઠળ કઈ શરતો લાગુ પડશે અને અન્ય કાયદાકીય મંજૂરીઓની પ્રક્રિયા કેવી રીતે રહેશે તે અંગેની વિગતો સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે.


