નશાના નેટવર્ક પર પોલીસનો પ્રહાર
ઘરમાં ગાંજાનો ખજાનો, સ્ટેશન પર ડિલિવરી અને રસ્તે પેડલરનો પર્દાફાશ
23.80 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે મહિલા સહિત ત્રણ અલગ-અલગ કેસમાં કાર્યવાહી; રેલવે સ્ટેશન પરથી 4.87 લાખનો ગાંજો ઝડપાયો, કુખ્યાત પેડલરો અને સપ્લાયરો સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગાંજાના ગેરકાયદે વેપારના અલગ-અલગ કિસ્સાઓ સામે આવતાં નશાના નેટવર્કને લઈને ચિંતા વધી છે. શહેરમાં હાઈબ્રિડ ગાંજાના જથ્થાનો સંગ્રહ, બહારથી ગાંજો લાવી રેલવે સ્ટેશન પર ડિલિવરી અને છૂટક વેચાણ માટે સપ્લાય થતો હોવાના કિસ્સાઓમાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ એસઓજી, રેલવે પોલીસ અને પ્રદ્યુમનનગર પોલીસની અલગ-અલગ કાર્યવાહીમાં મહિલા સહિત અનેક શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય કેસમાં મળીને લાખો રૂપિયાનો માદક પદાર્થ કબજે થયો છે, જ્યારે મુખ્ય સપ્લાયરો અને અન્ય સંભવિત સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રૈયા રોડના ફ્લેટમાંથી 23.80 લાખનો હાઈબ્રિડ ગાંજો મળ્યો
રાજકોટના રૈયા રોડ પર આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટમાં એસઓજીની ટીમે દરોડો પાડીને પૂજાબેન સાગર ભટ્ટ (ઉંમર 37)ને ઝડપી લીધાં હતાં. પોલીસને બાતમી મળી હતી કે યોગીરાજનગરની શેરી નંબર-4માં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડતાં ફ્લેટમાંથી 680 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂ.23.80 લાખ આંકી છે. મોબાઈલ ફોન અને વજનકાંટા સહિત કુલ રૂ.23.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેને પોતાનો ભાણેજ અને ગાંજાના વેપાર સાથે સંકળાયેલો હોવાનું જણાવાતો ગૌતમ વસંત દવે ગાંજો સાચવવા માટે આપી ગયો હોવાનું કહ્યું હતું. ઘરમાં જ ગાંજાની નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. પોલીસે ગૌતમ દવેને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પીઆઈ એન.બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઈ એમ.વી. જાડેજા અને ટીમે આ કાર્યવાહી કરી હતી.
રેલવે સ્ટેશન પર ગાંજાની ડિલિવરી પહેલાં જ પોલીસ ત્રાટકી
બીજા બનાવમાં રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.4.87 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને પ્લેટફોર્મ નંબર-1ના જામનગર તરફના છેડા પાસે ગાંજાની ડિલિવરી થવાની બાતમી મળી હતી. તેના આધારે વોચ ગોઠવીને પોલીસે શૈલેન્દ્રકુમાર ધરમવીર કુશવાહા (ઉંમર 37, મૂળ બિહાર) અને મોરબીના આરિફ આલમશા સૈયદ (ઉંમર 33)ને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી આશરે 8.75 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.4.37 લાખ આંકવામાં આવી હતી. અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ.4.87 લાખનો જથ્થો કબજે કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, શૈલેન્દ્ર અમદાવાદથી ગાંજો લઈને આવ્યો હતો, જ્યારે આરિફ તેને રિસીવ કરવા પહોંચ્યો હતો. આ ગાંજો મોરબીમાં અન્ય પેડલરો સુધી પહોંચાડવાનો હોવાની માહિતી સામે આવી છે.
બંને આરોપીઓએ અગાઉ પણ ગાંજાની એક ખેપ પહોંચાડી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આરિફ સામે અગાઉ હત્યા, દારૂ અને એનડીપીએસ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે. રેલવે પોલીસે બંનેને રિમાન્ડ પર લઈને ગાંજાના સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઝઘડાની જાણ કરવા જતાં ગાંજાનો ભાંડો ફૂટ્યો
ત્રીજા બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસને મળેલી એક સામાન્ય ઝઘડાની ફરિયાદે ગાંજાના જથ્થા સુધી પહોંચાડી હતી. મોટી પાનેલીના કમલેશ લક્ષ્મણ પોપટે સદર બજારમાં ઝઘડો થતો હોવાની જાણ 112 જનરક્ષકને કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કમલેશ અને તેની સાથેના અન્ય બે શખ્સો પાસે શંકાસ્પદ પદાર્થ ભરેલી બે પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આ કોથળીઓમાં હાઈબ્રિડ ગાંજો અને સૂકો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કમલેશ પાસેથી 13.74 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ.48 હજાર, તેમજ 75.97 ગ્રામ સૂકો ગાંજો, જેની કિંમત રૂ.3,793 આંકવામાં આવી હતી, કબજે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં કમલેશે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતા દેવેન મનોજ પંત પાસેથી ગાંજો મળ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દેવેનને શોધવા તપાસ શરૂ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસ પીઆઈ એમ.ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઈ સંજય કોઠીવારની ટીમે આ કાર્યવાહી કરી હતી.
સપ્લાયરો સુધી પહોંચવું પોલીસ માટે મુખ્ય પડકાર
રાજકોટમાં સામે આવેલા આ ત્રણેય બનાવો ગાંજાના સંગ્રહથી લઈને પરિવહન અને છૂટક વેચાણ સુધીની અલગ-અલગ કડીઓ તરફ ધ્યાન દોરે છે. એક તરફ રહેણાક મકાનમાંથી લાખો રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો મળે છે, બીજી તરફ રેલવે સ્ટેશનનો ઉપયોગ ડિલિવરી માટે થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યારે ત્રીજા બનાવમાં ઝઘડાની જાણને પગલે ગાંજાનો જથ્થો પકડાયો છે. પોલીસ હાલ આરોપીઓ પાસેથી ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ વેપારમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરી રહી છે. તહેવારો દરમિયાન યુવાધનને નશાથી દૂર રાખવા અને માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ કેસોમાં મુખ્ય સપ્લાયરોની ધરપકડ અને સમગ્ર નેટવર્કની કડીઓ બહાર આવે ત્યાર બાદ જ ગાંજાના વેપારનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે.


