ભારતના આદિવાસીઓની દિવાળી: લોકપરંપરા, પ્રકૃતિ અને સંસ્કૃતિના અજાણ્યા રંગ
દીપોત્સવની આસપાસ જીવંત રહેતી આદિવાસી સંસ્કૃતિ, લોકસ્મૃતિ અને પ્રકૃતિ સાથેના સંબંધોની એક સંશોધનાત્મક સફર
ગતવર્ષે તાડોબાના જંગલના પ્રવાસ દરમ્યાન હું ત્યાંના આદિવાસીઓને પૂછતી હતી કે તમે લોકો દિવાળી કેવી રીતે ઉજવો છો? તે પ્રશ્નના જવાબમાં જાણવા મળેલું કે, અહીંના ગોંડ આદિવાસીઓની દિવાળીની શરૂઆત મહુઆનાં વૃક્ષોની પૂજા પ્રાર્થનાથી થાય છે પછી તેઓ જંગલના તત્ત્વો, કૃષિ ધન સાથે પાળિયાઓની અર્થાત્ એ પૂર્વજો જેઓ લડાઈમાં મૃત્યુ પામ્યા હોય તેની પૂજા કરે છે. આ લડાઈ સમુદાયની હોઈ શકે, પોતાના પ્રાણીઓને બચાવવાની હોય શકે, દેશ માટેની હોઈ શકે કે જંગલી જાનવરોથી બચવા માટેની હોઈ શકે છે. ત્યાર પછી મહુઆની પૂરી અને પાનોલ્યા મુઠિયા જેવી પરંપરાગત વાનગીઓ ઘર ઘરમાં બને છે.
જેને હું મળેલી તે લોકોની વાત સાંભળી હું વિચારવા લાગી હતી કે, આપણો એક જ દેશ તેમ છતાં એ આ એક જ દેશમાં, એક જ તહેવાર અને પ્રકાશના અસંખ્ય અર્થો! ક્યાંક દીવો સમૃદ્ધિનું પ્રતીક છે, ક્યાંક પૂર્વજોની સ્મૃતિનું માધ્યમ, તો ક્યાંક પશુધન, ધરતી અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું સાધન છે અને તેમની જીવનશૈલી, કૃષિપરંપરા, લોકકલા, સામૂહિક સ્મૃતિ અને કુદરત સાથેના સંબંધોને ઉજાગર કરવાનો અવસર પણ છે. મુખ્ય વાત એ છે કે, આ પરંપરાઓ મુખ્ય ધારાની દિવાળીથી અલગ હોવા છતાં ભારતીય સંસ્કૃતિના વિશાળ વૈવિધ્યનો અભિન્ન ભાગ છે.
હિંદુ ચાંદ્ર પંચાંગ પ્રમાણે દિવાળીના પાંચ દિવસીય પર્વની શરૂઆત સામાન્ય રીતે આસો વદ તેરસ એટલે કે ધનતેરસથી થાય છે. ત્યાર પછી નરક ચતુર્દશી, અમાસ, કાર્તિક સુદ એકમ અને ભાઈબીજ આવે છે. દિવાળીનો મુખ્ય દિવસ અમાસનો છે. ત્યાર પછી શરૂ થતો કાર્તિક માસ પણ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સમય દરમિયાન દીપદાન, સ્નાન, દાન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાય છે. જોકે, ભારતના દરેક પ્રદેશમાં તહેવારનું સમયચક્ર એકસરખું નથી. સ્થાનિક પંચાંગ, ઋતુપરિવર્તન, ખેતી અને લોકમાન્યતાઓને કારણે કેટલાક સમુદાયો દિવાળીની ઉજવણી મુખ્ય પર્વ પછી કરે છે.
છત્તીસગઢ: બસ્તરની દિયારી અને પશુધનનું મહત્ત્વ
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં ગોંડ સહિતના કેટલાક આદિવાસી સમુદાયોમાં દિવાળીની આસપાસ ‘દિયારી’ અથવા ‘દેવારી’ નામનો ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવમાં પશુધન અને તેમની સંભાળ રાખતા પશુપાલકોને વિશેષ સ્થાન મળે છે. ગાય-ભેંસને સ્નાન કરાવી શણગારવામાં આવે છે, તેમના ગળામાં પરંપરાગત માળાઓ પહેરાવવામાં આવે છે અને પશુપાલકોનું સન્માન કરવામાં આવે છે. ઢોલના તાલે લોકગીતો અને સમૂહનૃત્યો યોજાય છે. બસ્તરના કેટલાક વિસ્તારોમાં ઇશર અને ગૌરાના પ્રતીકાત્મક લગ્નની વિધિ પણ કરવામાં આવે છે, જે ગોંડ સમાજની સર્જનકથાઓ અને પરંપરાગત માન્યતાઓ સાથે જોડાયેલી છે. આ ઉત્સવમાં પશુઓ માત્ર ખેતીનાં સાધન નથી, પરંતુ જીવનનિર્વાહના સહભાગી છે. પશુધન અને પશુપાલકોને સન્માન આપતી આ પરંપરા ગ્રામ્ય સમાજમાં શ્રમ અને સહઅસ્તિત્વના મૂલ્યોને ઉજાગર કરે છે.
ઓડિશા: કૌંરિયા કાઠી અને પૂર્વજોની સ્મૃતિ
ઓડિશામાં દિવાળીના દિવસે ‘કૌંરિયા કાઠી’ની પરંપરા પ્રકાશને પૂર્વજોના સ્મરણ સાથે જોડે છે. કેટલાક પરિવારો સૂકા શણના છોડની સળીઓ સળગાવીને પરંપરાગત લોકપ્રાર્થના કરે છે. આ વિધિ ‘બડા બડુઆ ડાકા’ સાથે પણ સંકળાયેલી છે. લોકમાન્યતા પ્રમાણે અગ્નિની જ્યોત પૂર્વજોને માર્ગદર્શન આપે છે. પુરીમાં જગન્નાથ મંદિરની આસપાસ આ પરંપરાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ જોવા મળે છે. આ પ્રસંગે ઉચ્ચારાતું લોકઆહ્વાન પૂર્વજોને અંધકારમાંથી પ્રકાશ તરફ આવવા અને પ્રકાશના માર્ગે પાછા ફરવા આમંત્રણ આપે છે. અહીં અગ્નિ માત્ર દીપ્તિનું પ્રતીક નથી; તે કુટુંબની સ્મૃતિ, પેઢીઓ વચ્ચેના સંબંધ અને પૂર્વજોના આશીર્વાદનું પ્રતીક છે. આ પરંપરા ભારતીય સમાજમાં પૂર્વજો પ્રત્યેના આદરની ઊંડી ભાવનાનો પરિચય કરાવે છે.
ઝારખંડ: સોહરાય પરબ અને પ્રકૃતિ સાથેનું નાતું
ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં ‘સોહરાય પરબ’ કૃષિ અને પશુધન સાથે જોડાયેલો મહત્ત્વનો ઉત્સવ છે. સંથાલ, મુંડા અને અન્ય સમુદાયોમાં તેની ઉજવણી જુદી જુદી રીતે જોવા મળે છે. ગાય-બળદને સ્નાન કરાવી શણગારવામાં આવે છે અને તેમને વિશેષ ભોજન આપવામાં આવે છે. ગામડાંમાં લોકગીતો અને નૃત્યો દ્વારા ઉત્સવની ખુશી વ્યક્ત થાય છે. સોહરાયની એક આગવી ઓળખ તેની ભીંતચિત્રકળા છે. સ્ત્રીઓ ઘરની દીવાલો પર પ્રકૃતિ, પશુઓ, પક્ષીઓ અને વનસ્પતિનાં સુંદર ચિત્રો દોરે છે. કુદરતી રંગો અને પરંપરાગત આકારો દ્વારા તેઓ પોતાની આસપાસના વિશ્વને કલામાં ઉતારે છે.
પશ્ચિમ બંગાળ: બાંદના પરબ અને સહરાય
પશ્ચિમ બંગાળના પુરુલિયા અને બાંકુરા વિસ્તારોમાં ‘બાંદના પરબ’ અથવા ‘સહરાય’ તરીકે ઓળખાતો ઉત્સવ દિવાળીની આસપાસ ઉજવાય છે. કુરમી, ભૂમિજ, સંથાલ અને મુંડા સહિતના કેટલાક સમુદાયોમાં તેની અલગ અલગ સ્થાનિક પરંપરાઓ જોવા મળે છે. ગાય-બળદને સ્નાન કરાવી શણગારવામાં આવે છે, તેમના શરીર પર કુદરતી રંગો અને સિંદૂર લગાવવામાં આવે છે તથા તેમને વિશેષ ખોરાક આપવામાં આવે છે. ‘ઓહિરા’ નામનાં લોકગીતોમાં પશુઓ પ્રત્યેની લાગણી અને તેમના યોગદાનની અભિવ્યક્તિ થાય છે. ઢોલ અને માંદલના તાલે સમૂહગાન અને નૃત્ય યોજાય છે. કેટલીક જગ્યાએ ઘરની દીવાલો પર પશુઓ અને પ્રકૃતિનાં ચિત્રો પણ દોરવામાં આવે છે. આ ઉત્સવની તારીખ દરેક જગ્યાએ એકસરખી નથી. કેટલાક વિસ્તારોમાં તે કાર્તિક અમાસની આસપાસ ઉજવાય છે, જ્યારે અન્ય સ્થળોએ સ્થાનિક કૃષિચક્ર પ્રમાણે સમય બદલાય છે. બંગાળની જાણીતી કાલીપૂજાથી અલગ આ પરંપરા ત્યાંના ગ્રામ્ય અને આદિવાસી સમાજનું આગવું સાંસ્કૃતિક સ્વરૂપ દર્શાવે છે.
તેલંગાણા: દંડારી–ગુસ્સાડીનું નૃત્યવૈભવ
તેલંગાણાના આદિલાબાદ વિસ્તારમાં ગોંડ અને અન્ય આદિવાસી સમુદાયોમાં ‘દંડારી–ગુસ્સાડી’ ઉત્સવનું વિશેષ સ્થાન છે. દિવાળીની આસપાસ યોજાતા આ ઉત્સવમાં વિશિષ્ટ વેશભૂષા, મોરપીંછથી શણગારેલા શિરોભૂષણો, ઢોલ અને સમૂહનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. ગુસ્સાડી નૃત્યના કલાકારો પરંપરાગત વેશ ધારણ કરીને ગામેગામ પ્રસ્તુતિ આપે છે. કેટલાક વિસ્તારોમાં લોકો પદ્મલપુરી કાકો જેવા પવિત્ર સ્થળોએ પણ એકત્ર થાય છે. આ નૃત્ય માત્ર મનોરંજન નથી, પરંતુ સમુદાયની ઓળખ છે જેઓ વસ્ત્રો, શિરોભૂષણ અને શરીરની લયબદ્ધ ગતિ દ્વારા પોતાની સામૂહિક સ્મૃતિને અભિવ્યક્ત કરે છે.
હિમાચલ પ્રદેશ: બુઢી દિવાળીનું આગવું સ્વરૂપ
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના ટ્રાન્સ-ગિરી વિસ્તારમાં હાટી સમુદાય ‘બુઢી દિવાળી’ ઉજવે છે. મુખ્ય દિવાળી પછી યોજાતો આ ઉત્સવ કેટલાક વિસ્તારોમાં અનેક દિવસો સુધી ચાલે છે. આ પ્રસંગે પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, ગામના લોકો કુળદેવતાનાં મંદિરે એકત્ર થાય છે અને ધાર્મિક વિધિઓ સાથે સામૂહિક ઉજવણી કરે છે. પહાડી પ્રદેશોની સ્થાનિક માન્યતાઓ અને સામાજિક પરંપરાઓ આ ઉત્સવને આગવી ઓળખ આપે છે. અહીં દિવાળીની ઉજવણીનો સમય જ તેને અન્ય પ્રદેશોથી અલગ પાડે છે.
ઉત્તરાખંડ: ઇગાસ બગ્વાલ અને મંગસીર બગ્વાલ
ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉંના કેટલાક વિસ્તારોમાં ‘ઇગાસ બગ્વાલ’ દિવાળીના અગિયાર દિવસ પછી ઉજવાય છે. આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે, પશુધનની પૂજા થાય છે અને ‘ભૈલો’ નામની પરંપરાગત અગ્નિપ્રથા યોજાય છે. ચીડનાં લાકડાંથી બનેલી અગ્નિમશાલો સાથે યુવાનો અને ગ્રામજનો લોકનૃત્ય કરે છે. ઢોલ અને દમાઉંના તાલે ગીતો ગવાય છે. લોકમાન્યતા પ્રમાણે રામના અયોધ્યા આગમનના સમાચાર પર્વતીય વિસ્તારોમાં મોડા પહોંચ્યા હોવાથી ત્યાં અગિયાર દિવસ પછી દિવાળી ઉજવવામાં આવી હતી. આ કથા ઐતિહાસિક પુરાવા કરતાં સ્થાનિક લોકસ્મૃતિનું પ્રતિબિંબ છે. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ‘મંગસીર બગ્વાલ’ તરીકે લગભગ એક મહિના પછી પણ દિવાળી ઉજવવાની પરંપરા છે. આ ઉજવણીઓ દર્શાવે છે કે પર્વતીય સમાજમાં તહેવારનું સમયચક્ર ભૂગોળ અને સ્થાનિક જીવનશૈલી સાથે કેટલું નજીકથી જોડાયેલું છે.
આંદામાન–નિકોબાર: દિવાળીની બહારનું મૂળનિવાસી વિશ્વ
ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગ્રેટ આંદામાની, ઓંગે, જરાવા, સેન્ટિનલીઝ, શોમ્પેન અને નિકોબારી જેવા મૂળનિવાસી સમુદાયો વસે છે. તેમની ભાષા, જીવનશૈલી અને પ્રકૃતિ સાથેનો સંબંધ વિશિષ્ટ છે. કેટલાક સમુદાયોના પરંપરાગત જીવનમાં માછીમારી, શિકાર અને જંગલમાંથી ખોરાક એકત્ર કરવાની પ્રવૃત્તિઓનું મહત્ત્વ રહ્યું છે. સમુદ્ર, જંગલ અને ઋતુપરિવર્તન તેમની જીવનપદ્ધતિને ઘડે છે. જોકે, આ સમુદાયોમાં દિવાળી ઉજવવાની કોઈ પ્રમાણિત પરંપરાનો પૂરતો આધાર ઉપલબ્ધ નથી. તેથી તેમની સંસ્કૃતિને દિવાળીની ઉજવણી તરીકે રજૂ કરવી યોગ્ય નથી. તેમનો સમાવેશ ભારતના મૂળનિવાસી સાંસ્કૃતિક વૈવિધ્યના સ્વતંત્ર ઉદાહરણ તરીકે કરવો જોઈએ.
પ્રકાશની પાછળ છુપાયેલી સંસ્કૃતિ
ભારતની આ લોકપરંપરાઓને એકસાથે જોઈએ ત્યારે દિવાળીના અનેક અજાણ્યા અર્થો સામે આવે છે. ક્યાંક અગ્નિ પૂર્વજોની સ્મૃતિને ઉજાગર કરે છે, ક્યાંક પશુધન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત થાય છે, તો ક્યાંક નૃત્ય અને સંગીત દ્વારા સમુદાય પોતાની ઓળખ જીવંત રાખે છે. તહેવારો માત્ર ધાર્મિક વિધિઓ નથી; તે સમાજની સ્મૃતિ, જીવનશૈલી, પર્યાવરણ અને પરસ્પરના સંબંધોનું પ્રતિબિંબ છે.
દિવાળીના દીવાનો પ્રકાશ આપણને અંધકારમાંથી બહાર આવવાનો સંદેશ આપે છે. પરંતુ ભારતની આ અજાણી લોકપરંપરાઓ એક વધુ ઊંડો અર્થ સમજાવે છે—પ્રકાશ એટલે માત્ર અજવાળું નહીં, પણ સ્મૃતિ, કૃતજ્ઞતા, સહઅસ્તિત્વ અને જીવન પ્રત્યેનો આદર. એક જ દીવો જુદા જુદા પ્રદેશોમાં જુદી લાગણી અને માન્યતા સાથે પ્રગટે છે. આ વિવિધતામાં જ ભારતની લોકસંસ્કૃતિનું સાચો વૈભવ વસે છે.


