રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય
દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી
સમ્પ કનેકશન ધરાવતા ફલેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોવાની રજૂઆત બાદ અપાયેલી રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી જેનો વેરો બાકી છે તેવા કરદાતાઓને મિલકત વેરા અને પાણી વેરામાં 5-5 હજાર મળીને કુલ રૂપિયા 10 હજાર સુધીની વ્યાજ માફી યોજના આગામી 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે. ત્યારે સમ્પ કનેક્શન ધરાવતા ફ્લેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોવાની મેયર અને કમિશનર સમક્ષ થયેલી રજૂઆતોને લઈ દોઢ ઈંચથી માંડીને ચાર ઇંચ સુધીના સમ્પ કનેક્શન માં રૂ. 5 હજારથી લઈ રૂ.3.75 લાખ સુધી વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી આ લાભ પણ મળશે.
રાજકોટ મનપા દ્વારા શહેરના અંદાજે 6 લાખ જેટલા કરદાતાઓ પાસેથી મિલકત વેરાની આવકનો રૂપિયા 438 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સામે હજુ સુધી અંદાજે રૂપિયા 247 કરોડ જેટલી આવક થઈ છે. નવેમ્બર માસ શરૂ થઈ ગયો છે અને નાણાંકીય વર્ષ પુરું થવા આડે હજુ 5 મહિના જેટલો સમય છે. ત્યારે એક તરફ વેરા વસૂલાત શાખા રૂપિયા 439 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાની તિજોરી ભરવા અને લાંબા સમયથી વેરો નહીં ભરનારા બાકીદારો વેરો ભરપાઈ કરે એ માટે મિલકત વેરામાં 5 હજાર અને પાણી વેરામાં 5 હજાર મળી કુલ 10 હજાર રૂપિયાની વ્યાજ માફી યોજના ફરી થી આગામી ડિસેમ્બર મહિના સુધી અમલમાં મૂકવામાં આવી છે.
વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ જનરલ બોર્ડમાં જે મિલકત ધારકોની વેરાની મુદલ કરતાં વ્યાજ વધુ હોય તેમની પાસેથી વેરાની મુદલ જેટલું જ વ્યાજ વસુલવા ઠરાવ થયો છે. જોકે સમ્પ કનેક્શન ધરાવતા ફ્લેટ ધારકોને વ્યાજ માફી યોજનામાં અન્યાય થતો હોય મેયર અને કમિશનર પાસે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત વ્યાજબી જણાતા 1 ઇંચથી લઈને 4 ઈંચ સુધીના સંમ્પ કનેક્શન ધરાવતા ફ્લેટ ધારકોને રૂ. 5 હજારથી માંડીને રૂ. 3.75 લાખ સુધીની વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા 2015થી ચાર માળ સુધીના લો રાઈઝ બિલ્ડિંગોમાં એક થી દોઢ ઈંચના સંમ્પ કનેક્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી શહેરના વિકાસ સાથે હાઇરાઈઝ્ડ બિલ્ડિંગો અને સાથોસાથ સરકારી કચેરીઓ પણ વધવા લાગતાં હવે ચાર ઈંચ સુધીના સંમ્પ કનેક્શન પણ આપવામાં આવે છે. આવા સંમ્પ કનેક્શન ધરાવતા બિલ્ડિંગોમાં રૂ. 5 હજારથી લઈ રૂ. 3.75 લાખ સુધીની વ્યાજ માફી આપવામાં આવશે.
ફ્લેટની સંખ્યા કનેક્શન સાઇઝ વ્યાજમાફી 4 થી 6 એક ઇંચ 30,000 7 થી 13 દોઢ ઇંચ 65,000 14 થી 20 બે ઇંચ 1,00,000 21 થી 30 અઢી ઇંચ 1,50,000 31 થી 45 ત્રણ ઇંચ 2,25,000 46 થી 75 ચાર ઇંચ 3,75,000
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં આવેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી સંસ્થાઓનો રૂ. 98 કરોડ જેવો વેરો લાંબા સમયથી બાકી છે. આવી સરકારી કચેરીઓ જે સંમ્પ કનેક્શન ધરાવે છે તેઓને પણ આ રીતે જ વ્યાજ માફી યોજનાનો લાભ ડિસેમ્બર મહિના સુધી મળશે. આ સંદર્ભે વેરા વસૂલાત શાખા દ્વારા સરકારી કચેરીઓ અને સંસ્થાઓને પત્ર લખીને વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


