વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર મહેશ પીપળીયાની દાદાગીરી, સાથી કાર્યકરોની હૈયાવરાળ
અયોગ્ય વર્તન, જાહેરમાં ઉતારી પાડવા, સંકલન નહી રાખતા હોવાની કાર્યાલય સુધી ફરિયાદ થતા ખળભળાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના વોર્ડ નં. 11ના કોર્પોરેટર મહેશ પીપળિયા સામે સાથી કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો સહિતનાઓએ મોરચો માંડ્યો છે. ફરિયાદ કરવા છતાં પગલાં લેવાને બદલે મહામંત્રીએ સમાધાન કરાવી દીધાની વાત ફેલાતાં હાલ મામલો ફરી ઉકળ્યો છે.
વોર્ડ નં. 11ના વોર્ડ પ્રમુખ હિરેન મુંગલપરા, મહામંત્રીઓ મૂળુ ઓડેદરા, વીનુ ઇસોટિયા, કોર્પોરેટર રક્ષિત કલોલા, કોર્પોરેટર ભારતીબેનના પતિ ફર્નાન્ડિઝ પાડલિયા, પૂર્વ કોર્પોરેટર વિનુ સોરઠિયા, પ્રભારી રજની ગોલ સહિતના આગેવાનો સપ્તાહ પહેલાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.
આગેવાનોએ ફરિયાદ કરી હતી કે કોર્પોરેટર મહેશ પીપળિયાનું વર્તન યોગ્ય નથી. કોઈને પણ જાહેરમાં ઉતારી પાડે છે. સંકલન રાખતાં નથી જોહુકમી કરે છે. જ્યારે પણ કામની વાત આવે એટલે પ્રાયોરિટી તે કહે એમ જ કરાવે છે અને કહે છે કે ઉપરથી સૂચના છે કે વોર્ડ મારે જ ચલાવવાનો છે. શહેર ભાજપ પ્રમુખ ન હતા એટલે મહામંત્રીઓ યોગેન્દ્રસિંહ જાડેજા અને લલિત વાડોલિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી.
યોગેન્દ્રસિંહે ખાતરી આપી હતી કે યોગ્ય કરીશું. જોકે એક સપ્તાહ વીતી ગયા બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારબાદ એવી જાણ થઈ કે સમગ્ર વિવાદ મામલે યોગેન્દ્રસિંહે શહેર પ્રમુખને વાત તો કરી જ હતી પણ એવું પણ કહ્યું કે તેમણે સમાધાન કરાવી દીધું છે હવે કોઈ વિવાદ નથી!
ફરિયાદનું નિરાકરણ લાવવાને બદલે સમાધાન થઈ ગયાની વાત બહાર આવતાં ફરીથી આગેવાનો રોષે ભરાયા છે. દિવાળી ટાણે જ ફરી સંગઠનમાં હોળી થઈ છે. આગેવાનોએ જ્યારે આ વાત પાયાના કાર્યકરોને કરી તો તેઓ પણ ભડક્યા હતા અને પગલાં નહીં લેવાય તો નિષ્ક્રિય થવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ મામલે યોગેન્દ્રસિંહ જાડેજાએ તો હંમેશની જેમ બધું સમૂસૂતરું, સંકલનયુક્ત હોવાની વાત કરી છે અને આવો કોઈ વિવાદ તેમની સમક્ષ ન આવ્યાનો પણ દાવો કર્યો છે. જ્યારે જેમની સામે ઉકળતો ચરુ છે તે મહેશ પીપળિયા પણ સંપર્કવિહોણા બન્યા છે. જ્યારે વોર્ડ પ્રમુખ હિરેન મુંગલપરા પણ ધાર્મિક પ્રવાસે ગયા હોવાથી કોઈપણ પ્રકારનો સંપર્ક ન રહે તેની ખાતરી કરીને બેઠા છે.


