ટ્રેક્ટર કંપનીને એક કરોડનો ચૂનો ચોપડવાનો કારસો, કર્મચારી જ નીકળ્યો ભેદી
શાપરની પંચનાથ ઓટો કંપનીને સરકારી વિભાગોની તપાસના નામે ધમકાવી ખંડણીનું ષડયંત્ર: પ્રદૂષણ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાનો દાવો કરી રૂ.30 લાખની માગણી, રૂ.1 લાખ પડાવી લીધા બાદ વધુ નાણાં માટે દબાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ટ્રેક્ટર બનાવતી કંપનીને સરકારી વિભાગોની તપાસ અને કાયદાકીય કાર્યવાહીના નામે ડરાવી એક કરોડ રૂપિયા પડાવી લેવાનો કારસો પોલીસ તપાસમાં ખુલ્યો છે. કંપની વિરુદ્ધ અલગ-અલગ સરકારી વિભાગોમાં અરજીઓ કરીને અધિકારીઓની તપાસના ચક્કરમાં ફસાવવાનો પ્રયાસ કરનાર રાજકોટના એક શખ્સે કંપનીના સંચાલકો સાથે સમાધાન કરવાના નામે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જોકે, વાતચીત દરમિયાન મામલો રૂ.30 લાખ સુધી લાવી કંપનીના સંચાલકોને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અંતે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.1 લાખ પડાવી લીધા હતા. આ સમગ્ર ષડયંત્રમાં કંપનીનો જ એક કર્મચારી અંદરની માહિતી પૂરી પાડતો હોવાનું બહાર આવતાં પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રતાપ સોલંકી અને કર્મચારી ધીરુ ચાવડાને ઝડપી લીધા છે. પોલીસે બંને પાસેથી રૂ.1 લાખ રોકડા સહિત ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ બનાવ અંગે રાજકોટના ન્યારી ડેમ રોડ પર આવેલી માઉન્ટ વિલા સોસાયટીમાં રહેતા અને પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર મનિષભાઈ મગનભાઈ વિરમગામા (ઉ.વ.54)એ શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રાજકોટના પ્રતાપ સોલંકીનું નામ ખુલતાં પોલીસે ખંડણી અને ધમકીના મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદ મુજબ, શાપરના મેઇન રોડ પર આવેલી પંચનાથ ઓટો કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સરકારી કચેરીઓના અધિકારીઓ તપાસ માટે આવી રહ્યા હતા. ગત 21 ઓગસ્ટના રોજ જોઇન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની કચેરીના ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત લીધી હતી. કંપનીમાં કામદારોની સલામતીને લગતી તપાસ દરમિયાન કોઇ ગેરકાયદેસર બાબત ધ્યાનમાં આવી ન હતી, પરંતુ નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ નાયબ શ્રમ આયુક્તની કચેરીના શ્રમ અધિકારીએ પણ કંપનીની તપાસ કરી હતી. આ તપાસમાં પણ કોઇ ગેરરીતિ મળી નહોતી. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ કંપનીની મુલાકાત લઇ જરૂરી તપાસ હાથ ધરી હતી.
એક પછી એક સરકારી વિભાગોના અધિકારીઓ કંપનીમાં તપાસ માટે આવતા હોવાથી સંચાલકોને શંકા જતાં આ અંગે તપાસ કરાવવામાં આવી હતી. જેમાં રાજકોટનો પ્રતાપ સોલંકી અલગ-અલગ સરકારી વિભાગોમાં કંપની વિરુદ્ધ અરજીઓ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી કંપનીના સંચાલકોએ વકીલ મારફતે પ્રતાપ સોલંકીનો સંપર્ક કરી તેને વાતચીત માટે બોલાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન પ્રતાપ સોલંકીએ પોતાને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાનું જણાવી કંપનીને ભવિષ્યમાં આવી કોઇ કનડગત ન થાય તે માટે એક કરોડ રૂપિયા આપવા પડશે તેવી માગણી કરી હતી. આટલી મોટી રકમ આપવી શક્ય ન હોવાનું જણાવતાં તેણે રૂ.30 લાખ આપી દેવા અને પ્રદૂષણ બોર્ડના મોટા અધિકારીઓ મારફતે કંપનીનું કામ કરાવી દેવાની ખાતરી આપી હતી.
રૂ.30 લાખની માગણી બાદ પ્રતાપ સોલંકી અવારનવાર કંપનીના વકીલને ફોન કરીને નાણાં માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, કંપનીના સંચાલકો સુધી ધમકીભર્યા સંદેશા પહોંચાડવાનું પણ શરૂ કર્યું હતું. પૈસા નહીં મળે તો કંપનીમાં આવી એકાદના ટાંટિયા ભાંગી નાખીશ અને એકાદને મારી નાખવામાં પણ વાર નહીં લાગે તેવી ધમકી આપી હતી.
આ ઉપરાંત જી.પી.સી.બી. અને એટ્રોસિટી સહિતની ફરિયાદો કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી. જી.એસ.ટી., ઇન્કમટેક્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને પ્રદૂષણ વિભાગમાં એવી રીતે ફસાવી દઇશ કે આવનારી પેઢી પણ વેપાર-ઉદ્યોગ કરી નહીં શકે તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સોશિયલ મીડિયા પર કંપની અને તેના સંચાલકોની બદનામી કરવાની વાત પણ કરવામાં આવી હતી. પ્રતાપ સોલંકીની સતત ધમકીઓ અને દબાણથી કંટાળીને કંપનીના સંચાલકોએ હાલ પૂરતી માથાકૂટ ટાળવા રૂ.1 લાખ આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ વકીલ મારફતે પ્રતાપ સોલંકીને રૂ.1 લાખ આપ્યા હતા અને બાકીની રકમની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. જોકે, આટલી રકમ મેળવ્યા બાદ પણ પ્રતાપ સોલંકીએ બાકીના નાણાં માટે દબાણ ચાલુ રાખ્યું હતું. આખરે કંપનીના સંચાલકોએ પોલીસનું શરણું લેતાં સમગ્ર ખંડણીકાંડ બહાર આવ્યું હતું.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી અને શાપર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી પ્રતાપ મગન સોલંકી (ઉ.વ.30, રહે. લક્ષ્મણ ટાઉનશિપ, જીવરાજ પાર્ક, રાજકોટ)ને ઝડપી પૂછપરછ કરતાં આ સમગ્ર કારસામાં કંપનીનો જ કર્મચારી ધીરુ રામજી ચાવડા (રહે. શીતળા માતા મંદિર પાછળ, પારડી, રાજકોટ) સામેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ધીરુ ચાવડા કંપનીમાં નોકરી કરતો હોવાથી ત્યાંની આંતરિક વ્યવસ્થા અને કામગીરી અંગેની તમામ વિગતો પ્રતાપ સોલંકીને પહોંચાડતો હતો. આ માહિતીના આધારે પ્રતાપ અલગ-અલગ સરકારી વિભાગોમાં અરજીઓ કરતો અને કંપનીમાં તપાસનો માહોલ ઊભો કરી સંચાલકોને દબાણમાં લેવાનો પ્રયાસ કરતો હતો. આમ, જે કંપનીમાં નોકરી કરીને પગાર મેળવતો હતો તે જ કંપનીને ખંડણીના ષડયંત્રમાં ફસાવવામાં અંદરખાને મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1 લાખ રોકડા અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી રૂરલ એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તેમજ શાપર પીઆઇ આર.બી. રાણા અને તેમની ટીમે હાથ ધરી હતી. પોલીસે હવે બંને આરોપીઓએ અન્ય કોઇ કંપનીને પણ આ રીતે નિશાન બનાવી હતી કે કેમ તેમજ આ ષડયંત્રમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી છે.


