મોરબીના સિરામીક ઉદ્યોગકારો સાથે બેઠક કરતા જિલ્લા પ્રભારી મંત્રી છાંગા
ગેસ, વિજળી, પાણી સહિતના વિવિધ પ્રશ્નોની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખાનગી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા અને મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
મોરબીના સિરામિક ઉદ્યોગના આગેવાનો, એસોસિએશનના હોદ્દેદારો, જેટકો અને પીજીવીસીએલના અધિકારીઓની હાજરીમાં ઉદ્યોગના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી.
વીજળીની અછત અને વધતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજલાઈનો તથા સબસ્ટેશનો બનાવવા રજૂઆત કરાઈ હતી. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ કરવા અને પાણીની સમસ્યા ઉકેલવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગને લગતા અન્ય પ્રશ્નો પણ રજૂ કરાયા હતા.
મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગના પ્રશ્નો સાંભળ્યા હતા અને વહેલી તકે ઉકેલવા શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને ઉદ્યોગકારોની સમસ્યાઓના ઉકેલ અંગે સરકાર તથા ઉદ્યોગ વચ્ચે આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ હતી.


