ઉપલેટાના કોલકી ગામે સોયાબીનના ભૂકામાં ભેંસો ચરાવવાનો વીડિયો વાયરલ કરવાના ખારમાં ખેડૂત પર હુમલો
વીડિયો વાયરલ થતાં ઉશ્કેરાયેલા શખ્સે ખેતરમાં રહેલો સોયાબીનનો ભૂકો સળગાવી દઈને ભારે નુકસાન પહોંચાડ્યું
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા તાલુકાના કોલકી ગામે ખેતરમાં મંજૂરી વગર ભેંસો ચરાવવા બાબતે સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખેતરમાં ભેંસો ચરાવતો વીડિયો મોબાઈલમાં ઉતારીને વોટ્સએપ ગ્રુપમાં મૂકવાના ખાર રાખીને એક શખ્સે પહેલા ખેડૂતના સોયાબીનના ભૂકાને સળગાવી દીધો હતો અને ત્યારબાદ બીજા દિવસે સવારે રસ્તામાં આંતરીને લોખંડની કુંડલીવાળી લાકડી વડે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે ઉપલેટા પોલીસ મથકે નોંધાયેલી વિગતવાર ફરિયાદ મુજબ, કોલકી ગામે જૂના ચોરા પાસે રહેતા છપ્પન વર્ષીય ખેડૂત અલ્પેશભાઈ મનજીભાઈ વાછાણી ગત તારીખ ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે ટ્રેક્ટર લઈને મોટર ટેસ્ટિંગ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ખેતરમાં સોયાબીનના ભૂકા ઉપર ગામના જ રોનકભાઈ ભાણાભાઈ રાતડીયા ભેંસો ચરાવી રહ્યા હતા. અલ્પેશભાઈએ આ બાબતનો વીડિયો મોબાઈલમાં બનાવીને ગામના ખેડૂતોના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો, જેથી રોનકભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બપોરના સમયે ખેતરમાં રહેલો સોયાબીનનો ભૂકો સળગાવી દઈ નુકસાન કર્યું હતું.
આ ઘટનાની અદાવત રાખીને બીજા દિવસે એટલે કે તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે જ્યારે અલ્પેશભાઈ ટ્રેક્ટર લઈને નીકળ્યા ત્યારે નાગવદર રોડ પર ખોડીયાર મંદિર પાસે રોનકભાઈએ તેમને રોક્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કેમ મૂક્યો તેમ કહીને ઉશ્કેરાયેલા શખ્સે ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને ગાળો બોલવાની ના પાડતા લોખંડની કુંડલીવાળી વાંસની લાકડીથી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં કપાળના ભાગે અને હાથમાં ગંભીર ઈજાઓ તથા ફ્રેક્ચર થતાં લોહીલુહાણ હાલતમાં અલ્પેશભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. આસપાસના લોકો અને ગ્રામજનોની મદદથી તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે.


