રાજધાની ટ્રાન્સપોર્ટમાં કર્મચારીઓએ 51.40 લાખનો કાપડનો માલ ગાયબ કર્યો
ટ્રાન્સપોર્ટરના નવાગઢ સ્થિત ગોડાઉનમાંથી 106 કાપડની ગાંસડીઓ ગુમ છતાં કોમ્પ્યુટરમાં સ્ટોક બરાબર : મામલો સામે આવ્યા બાદ લાજવાના બદલે વેપારીના પુત્રને ધમકી આપી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના જેતપુરના નવાગઢ સ્થિત ગોડાઉનમાંથી રૂ.51.40 લાખની કિંમતની 106 કાપડની ગાંસડીઓ ગાયબ થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોડાઉનમાં આવતા માલની ગણતરી, સ્ટોકની જાળવણી અને કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની જવાબદારી જેમના શિરે હતી તે જ મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટરે કથિત રીતે વેપારીઓની ગાંસડીઓ સગેવગે કરી નાખ્યાનો આક્ષેપ થયો છે. ખાસ વાત એ છે કે કોમ્પ્યુટરમાં સ્ટોકનો હિસાબ બરાબર દર્શાવાતો હતો, પરંતુ વાસ્તવિક ગણતરી કરાવતાં મોટી ઘટ સામે આવી હતી. એટલું જ નહીં, આ અંગે પોલીસ ફરિયાદ કરવાની વાત થતાં વેપારીના પુત્રને અજાણ્યા નંબર પરથી ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે રાજકોટના નાના મવા રોડ પર નેહરુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વિનુભાઈ ગીરધરભાઈ ગોંડલિયાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જેતપુરમાં રહેતા મિતેષ મનજી રામાણી અને આદિલ ઈરફાન લુલાણીયાનાં નામ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિનુભાઈ ગોંડલિયા તેમના પુત્ર પંકજ સાથે મળીને જેતપુરના નવાગઢમાં રાધેકૃષ્ણ ટ્રાન્સપોર્ટની સામે રાજધાની ટ્રાન્સલોજીસ્ટીક નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવે છે. આ ટ્રાન્સપોર્ટની મુખ્ય ઓફિસ રાજકોટમાં આવેલી છે, જ્યારે નવાગઢમાં ચંદ્રકાંતભાઈ ઠુંમર પાસેથી ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે. અહીં મહારાષ્ટ્રના ડોંબીવલી અને બદલાપુર સહિતના વિસ્તારોમાંથી વિવિધ કાપડ વેપારીઓનો માલ ટ્રકો મારફતે આવતો હતો. માલની સાથે વેપારીનું નામ, ગાંસડીઓની સંખ્યા, અંદાજિત કિંમત અને ઇન્વોઇસ સહિતનાં દસ્તાવેજો મોકલવામાં આવતા હતા. દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ગાંસડીઓ ગોડાઉનમાં ઉતારવામાં આવતી હતી અને માલ મળ્યાની ખાતરીરૂપે લોરી રિસીપ્ટ પર સહી-સિક્કા કરવામાં આવતા હતા.
ગોડાઉનના સંચાલન માટે મિતેષ રામાણીને આશરે આઠ વર્ષ પહેલાં મેનેજર તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા. તેમની જવાબદારી ગોડાઉનમાં આવતા માલની ગણતરી, સ્ટોકની જાળવણી, માલની ડિલિવરી અને દેખરેખ રાખવાની હતી. બીજી તરફ, આશરે સાત વર્ષ પહેલાં ગોડાઉનમાં કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરિયાત ઊભી થતાં ત્યાં કામ કરતા જાહીદ લુલાણીયાની ભલામણથી તેના ભત્રીજા આદિલ લુલાણીયાને નોકરીએ રાખવામાં આવ્યો હતો. આદિલનું કામ ગાંસડીઓની ગણતરી કરવાનું, વેપારી પ્રમાણે સ્ટોકનું પત્રક તૈયાર કરવાનું, કોમ્પ્યુટરમાં માલની એન્ટ્રી કરવાની અને દરરોજ હેડ ઓફિસને હિસાબ મોકલવાનું હતું. આમ, ગોડાઉનમાં માલની આવક-જાવકથી માંડીને સ્ટોકના રેકર્ડ સુધીની તમામ મહત્વની જવાબદારી બંને કર્મચારીઓ સંભાળતા હતા અને ગોડાઉનની ચાવીઓ પણ તેમની પાસે જ રહેતી હતી.
આ સમગ્ર મામલાનો પર્દાફાશ આશરે ચાર મહિના પહેલાં થયો હતો. વિનુભાઈના પુત્ર પંકજને જેતપુરના વેપારી લાલજીભાઈ મનજીભાઈ વાઘાણીએ જાણ કરી હતી કે તેમણે મંગાવેલો માલ હજુ સુધી મળ્યો નથી અને ગોડાઉનના કર્મચારીઓ તેમને ધક્કા ખવડાવી રહ્યા છે. આ ફરિયાદ મળતાં પંકજ નવાગઢના ગોડાઉનમાં તપાસ કરવા પહોંચ્યા હતા અને મેનેજર મિતેષ તથા કોમ્પ્યુટર ઓપરેટર આદિલને વેપારીઓની ગાંસડીઓની ડિલિવરી કેમ આપવામાં આવતી નથી તથા તેમનો માલ ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી. જોકે, બંને તરફથી સંતોષકારક જવાબ મળવાને બદલે ગલ્લાં-તલ્લાં કરવામાં આવતાં શંકા ગઈ હતી. આથી કોમ્પ્યુટરમાં સ્ટોકની તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ તેમાં તમામ હિસાબ બરાબર દર્શાવવામાં આવતો હતો. પરિણામે વાસ્તવિક સ્થિતિ જાણવા મજૂરો રાખીને ગોડાઉનમાં પડેલા માલની ફિઝિકલ ગણતરી કરાવવામાં આવતાં સ્ટોકમાં મોટી ઘટ હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટરને હિસાબ પૂર્ણ કરીને આપવા માટે બે-ત્રણ મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં બંને કર્મચારીઓ ગાયબ થયેલી ગાંસડીઓનો હિસાબ આપી શક્યા નહોતા. આખરે પોલીસ ફરિયાદ કરવાની વાત થતાં પંકજને કોઈ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિનુભાઈ અને તેમના પુત્રએ ગોડાઉનમાં પડેલા કાપડના માલની ફરીથી વિગતવાર ગણતરી કરાવતાં એ.વી.જી. ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્રની 24 ગાંસડીની કિંમત રૂ.10.08 લાખ, શ્રી કિશાન ટેક્સટાઇલ મિલ ડોંબીવલીની 74 ગાંસડીની કિંમત રૂ.39.22 લાખ, રૂમિત કોટન ફેબની ત્રણ ગાંસડીની કિંમત રૂ.1.05 લાખ અને પદમા એન્ટરપ્રાઇઝની પાંચ ગાંસડીની કિંમત રૂ.1.05 લાખ મળી કુલ 106 ગાંસડીઓની કિંમત રૂ.51.40 લાખ થતી હોવાનું સામે આવ્યું હતું. આટલી મોટી કિંમતનો માલ ગાયબ થતાં વિનુભાઈએ બંને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને સકંજામાં લઈ ગાયબ થયેલી ગાંસડીઓ ક્યાં સગેવગે કરવામાં આવી છે અને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તથા મુદ્દામાલની રિકવરી માટેની કાર્યવાહી હાથ ધરી છે.


