જેતપુરમાં વોરા સમાજ દ્વારા ઉત્સાહભેર ઇદે મિલાદ પૂર્વેની ભવ્ય ઉજવણી
મસ્જીદોમાં ફૂલોનો શણગાર, રોશનીનો જગમગાટ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેરમાં વસતા વોરા સમાજ દ્વારા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ‘ઇદે મિલાદ-ઉન-નબી’ના પાવન પર્વ નિમિત્તે ઇદે મિલાદ પૂર્વેની શાનદાર અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવને લઈને સમગ્ર વોરા સમાજના પરિવારોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
જેતપુર શહેરના ઐતિહાસિક અને જાણીતા એવા બોખલા દરવાજા પાસે આવેલા વોરા સમાજ ખાતે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર સમાજના નાના-મોટા તમામ લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ખૂબ જ ઉત્સાહભેર એકત્રિત થયા હતા. ઉજવણીના ભાગરૂપે વોરા સમાજની મસ્જિદ અને હોલને રંગબેરંગી રોશની તેમજ આકર્ષક ધ્વજ પતાકાઓથી શણગારવામાં આવ્યા હતા.
આ પાવન પ્રસંગે સમાજના અગ્રણીએ વિશેષ જણાવ્યું હતું કે, જેતપુરની અંદર ઈદે મિલાદ-ઉન-નબીની ખુશીમાં આ પ્રોગ્રામ કરીને અમારી ખુશી વ્યક્ત કરી છે. આ પર્વ નિમિત્તે નમાજ અદા કરી, ધર્મગુરુની વિડિયો રેકોર્ડિંગ અને માર્ગદર્શન મુજબ અમલ કરી, ખિદમતગુજારોને સર્ટિફિકેટ આપી તથા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમાજના યુવાનો અને બાળકોની સ્કાઉટ બેન્ડ દ્વારા બેન્ડ વગાડીને આ ખુશી મનાવવામાં આવી હતી. પરવરદિગાર પાસે દુઆ કરીએ છીએ કે આ ઈદની ખુશીની દુઆથી અમારું હિન્દુસ્તાન હંમેશાં આબાદ અને કાયમ રહે તથા દેશમાં અનોખો અમ્ન અને શાંતિ જળવાઈ રહે.
આ પૂર્વેની ઉજવણીમાં વડીલો, મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વોરા સમાજના અગ્રણીઓએ કાર્યક્રમને ઉત્સાહભેર ઉજવવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.


