ધોરાજી સિવિલમાં બાળરોગ નિષ્ણાતની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે અનોખો વિરોધ
ખાલી ઘોડિયુ અને ખૂરશી મૂકી પ્રતિકાત્મક કાર્યક્રમ અપાયો
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે બાળરોગ નિષ્ણાત ડોક્ટરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી ઉગ્ર અને વાજબી માંગ સાથે અનોખો પ્રતીકાત્મક કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બાળક બીમાર પડે ત્યારે તેના માતા-પિતાની પ્રથમ અપેક્ષા હોય છે કે નજીકની સરકારી હોસ્પિટલમાં તેને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે. પરંતુ બાળરોગ નિષ્ણાતની ઉપલબ્ધતા અંગે ઊભી થતી મુશ્કેલીઓને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને હાલાકી ભોગવવી પડે છે. આ ગંભીર પ્રશ્ન સરકાર અને આરોગ્ય તંત્રના ધ્યાન પર લાવવા માટે કાર્યકરોએ ખાલી ઘોડિયું અને ખાલી ડોક્ટરની ખુરશી મૂકીને અનોખી રીતે પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ વિવિધ બેનરો સાથે “બાળકોને ડોક્ટર જોઈએ”, “બાળરોગ નિષ્ણાતની તાત્કાલિક નિમણૂક કરો”, “બાળકોનું આરોગ્ય સરકારની જવાબદારી” જેવા સૂત્રોચ્ચાર કરી તંત્ર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી.
ખાલી ઘોડિયું રાખીને આપવામાં આવેલો સંદેશ સ્પષ્ટ હતો કે, “બાળક બીમાર હોય ત્યારે પરિવારને ભટકવું ન પડે અને સરકારી હોસ્પિટલમાં જ યોગ્ય બાળરોગ નિષ્ણાતની સારવાર મળી રહે.”
કાર્યકરોએ જણાવ્યું હતું કે બાળકોના આરોગ્ય સાથે જોડાયેલા સંવેદનશીલ પ્રશ્નને કોઈપણ પ્રકારના વહીવટી વિલંબની ભેટ ચઢાવવી યોગ્ય નથી. જો ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતની જરૂરિયાત છે, તો સરકાર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક નિર્ણય લઈ જરૂરી તબીબી સ્ટાફ ઉપલબ્ધ કરાવવો જોઈએ.
કાર્યકરોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બાળકોના આરોગ્ય જેવા ગંભીર અને સંવેદનશીલ પ્રશ્નમાં માત્ર આશ્વાસન કે કાગળ પરની કાર્યવાહી પૂરતી નથી. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતની નિયમિત અને ઉપલબ્ધ તબીબી સેવા શરૂ થાય તે દિશામાં નક્કર કાર્યવાહી જરૂરી છે.


