દીવના વણાંકબારામાં પ્રેમ પ્રકરણમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
પ્રેમી સામે કડક કાર્યવાહી કરવા પરિવારની માંગ, પોલીસની ખાતરી બાદ મૃતદેહ સ્વીકાર્યો
અગ્ર ગુજરાત, દીવ
દીવના વણાંકબારા વિસ્તારમાં એક યુવતીએ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જેમાં યુવતીના પરિવારે તેના પ્રેમી સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસે યુવતીના પ્રેમીને નિગરાનીમાં રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વણાંકબારાના ટાંકીવાડી વિસ્તારમાં રહેતી જસ્મીના મોહન નામની યુવતીએ રાત્રિના સમયે પોતાના ઘરના ઉપરના રૂમમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે જસ્મીના નીચે ન આવતા તેની માતાએ ઉપરના રૂમમાં જઈને તપાસ કરી હતી. જ્યાં જસ્મીનાનો મૃતદેહ નીચે પડેલી હાલતમાં મળી આવતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ SHO પીઆઇ રાવીત અને તેમની પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પીએમ કર્યા બાદ જ્યારે મૃતદેહ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી, ત્યારે પરિવારે યુવતીના પ્રેમી જલદીપ ઉર્ફે કાર્તિક કાનજી (રહે. મીઠીવાડી, વણાંકબારા) પર ગંભીર આક્ષેપો કરી તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી આરોપી સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આખરે પોલીસે યોગ્ય તપાસ અને કડક કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ જ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે દીવના એસપી રામક્રિષ્ન શરણે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ, પ્રેમીની પૂછપરછ અને પીએમ રિપોર્ટના આધારે આ મામલો આપઘાતનો હોવાનું સ્પષ્ટ થયું છે. આમ છતાં, પોલીસ દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને તેના આધારે જ આગળનો નિર્ણય લેવામાં આવશે.


