આજે પણ, વિશ્વ કોવિડ રોગચાળામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી. ત્યાં હવે, એક મોટો ખુલાસો થયો છે. વૈજ્ઞાનિકોએ લાંબા ગાળાના કોવિડ દર્દીઓના લોહીમાં નાની નાની ગાંઠો અને ઈમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલા ફેરફારો શોધી કાઢ્યા છે, જે આ લાંબા સમય સુધી ચાલતી સ્થિતિનું કારણ બની શકે છે અને ભવિષ્યમાં સારવારનો માર્ગ પણ ખોલી શકે છે.
મોટાભાગના લોકો થોડા દિવસો સુધી શરદી, ગળામાં દુખાવો, ખાંસી અથવા તાવ પછી કોવિડ-19 ઈન્ફેક્શનમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. પરંતુ ઘણા દર્દીઓમાં થાક, બ્રેન ફોગ, શરીરમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લાંબા સમય સુધી લક્ષણો રહે છે. આને જ લોન્ગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે. આ લક્ષણો પાછળના કારણો હજુ સ્પષ્ટ નથી. ત્યારે ચાલો આ લક્ષણો પાછળના કારણ અંગે વૈજ્ઞાનિકોએ હવે શું શોધી કાઢ્યું છે.
રિસર્ચમાં શું થયો ખુલાસો?
હવે વૈજ્ઞાનિકોએ લોન્ગ કોવિડ દર્દીઓમાં બે મહત્વપૂર્ણ ફેરફારો જોયા છે. જેમાં લોહીમાં હાજર માઇક્રોક્લોટ્સ અને ઈમ્યૂન સેલ્સ ન્યુટ્રોફિલ્સમાં ફેરફાર જોવા મળ્યો છે. માઈક્રોક્લોટ્સ એ લોહીમાં ફરતા ગંઠાઈ ગયેલા પ્રોટીનના અસામાન્ય ગઠ્ઠા છે, જે સૌથી પહેલા કોવિડ દર્દીઓના સેમ્પલ્સમાં જોવા મળ્યા હતા.
રિસર્ચમાં એ પણ ખુલાસો થયો છે કે લોન્ગ કોવિડ દર્દીઓમાં ન્યુટ્રોફિલ્સ નામની વ્હાઈટ બ્લડ સેલ્સમાં ખાસ ફેરફારથી પસાર થાય છે, આ ફેરફારના કારણે તેઓ તેમના ડીએનએ બહાર નીકાળી દોરા જેવી રચના બનાવે છે. આને ન્યુટ્રોફિલ એક્સ્ટ્રાસેલ્યુલર ટ્રેપ્સ કહેવામાં આવે છે, જે ઈન્ફેક્શન શોધી તેને નાશ કરવામાં મદદ કરે છે.
એક્સપર્ટનું શું કહેવું છે?
વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક કોવિડ દર્દીઓમાં, માઇક્રોક્લોટ્સ અને NETs વચ્ચેનું આ ઈન્ટરેક્શન શરીરમાં એવી પ્રતિક્રિયાઓની સીરીઝ શરૂ કરે છે જે આખરે લોન્ગ કોવિડનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે માઇક્રોક્લોટ્સ NETsના વધુ પડતા નિર્માણને પ્રોત્સાહન આપે છે, જેના કારણે સોજો અને લોહીના ગંઠાવા સંબંધિત સમસ્યાઓ વધે છે અને COVID જેવા લક્ષણો લાંબા સમય સુધી દેખાય છે.લોન્ગ કોવિડ દર્દીઓના પ્લાઝ્માના માળખાકીય વિશ્લેષણમાં સ્વસ્થ વ્યક્તિઓની તુલનામાં માઇક્રોક્લોટ્સ અને NETs ની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે. સ્ટડીમાં એ પણ બહાર આવ્યું છે કે દર્દીઓમાં માઇક્રોક્લોટ્સનો આકાર મોટો હતો.
સ્ટડીના રાઈટર એલેન થિએરીના જણાવ્યા અનુસાર, “આ શોધ સૂચવે છે કે માઇક્રોક્લોટ્સ અને NETs વચ્ચે એવી શારીરિક પ્રક્રિયાઓ ચાલી રહી છે જે નિયંત્રણ બહાર જઈ રોગનું કારણ બની શકે છે.” રિસર્ચર રિસિયા પ્રિટોરિયસે સમજાવ્યું કે આ ઈન્ટરેક્શન માઈક્રોક્લોટ્સને શરીરની કુદરતી ક્લોટ બ્રેકિંગ પ્રક્રિયાથી બચાવી શકે છે, જેનાથી તેઓ લાંબા સમય સુધી લોહીમાં રહી શકે છે અને રક્ત વાહિનીઓ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.
Journal of Medical Virologyમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે NETsનું વધુ પડતું નિર્માણ માઇક્રોક્લોટ્સને વધુ સ્થિર બનાવે છે, આ લોન્ગ કોવિડના લક્ષણોમાં મોટો ફાળો આપી શકે છે. રિસર્ચ ટીમનું કહેવું છે કે આ શોધ લોન્ગ કોવિડને સમજવાની વધુ એક તક આપે છે.


