રાજુલામાં અંબરીશ ડેર અને સી.આર પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંબરીશ ડેરના સમર્થનમાં 4 હજારથી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સીધા મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયાને મળવા મહુવા સદભાવના હોસ્પિટલમાં પહોંચ્યા છે.ઉપરાંત લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર, જીતુ કાછડ, ભરત ડાંગર, રઘુભાઈ હુંબલ, ભરત ભીલ, સુરેશ નકુમ અને મહુવાના જાણીતા ડોક્ટર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કનુભાઈ કલસરિયા સાથે એક બંધ બારણામાં ચર્ચા ચાલુ છે. બંધબારણે ચાલુ મીટિંગ એ અટકળો ઉભી કરી અને કનુભાઇ કલસરિયા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ ઉભી થઇ છે. જોકે સી.આર પાટીલ હાલ શુભેચ્છા મુલાકાતથી આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે.
ઓક્ટોબરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
કનુભાઇ કલસરિયાએ ગત વર્ષે એટલે કે 2023માં ઓક્ટોબર માસમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું હવે તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. કનુભાઇ કલસરિયા પહેલા ભાજપમાં જ હતા, પરંતુ બાદમાં તેમણે મહુવામાં નિરમાના પ્લાન્ટને લઇને વિરોધ કરી સરકારની સામે પડ્યા હતા. તેઓ જાયન્ટ કિલર તરીકે જાણીતા છે. કારણ કે એક સમયે તેમણે તત્કાલીન સીએમ છબિલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા.


