દહેગામ શહેરની શાન સમાન ઔડાનો ઓડીટોરીયમ હોલ બનાવામાં આવ્યો ત્યારે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરાયો હતો. લાઇબ્રેરી સહીત ની સુવિધાઓ તેમજ બેંકવેટ હોલ અને ઓડિટોરીયમ એસી હોલની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મોજે દહેગામમાં ટીપી સ્કીમ નંબર 2, કા. પ્લોટ નંબર 339 માં 29.26 કરોડના ખર્ચે બનાવામાં આવેલા આધુનિક સુવિધાયુકત હોલનુ લોકાપર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2023માં કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ ચકાચક લાગતા હોલનો ઉપયોગ કરવામાં લોકો ખચકાઇ રહ્યા છે. હોલ બુકીગંથી માંડીને ડીપોઝિટ અને રીફંડની જફા વેઠવી પડતી હોવાથી પ્રસંગો કે કાર્યક્રમો યોજવાનુ ટાળી રહ્યા હોવાની વિગતો છે. છેલ્લા દોઢ વર્ષમાં માત્ર 41 કાર્યક્રમોની નોંધણી થઇ હોવાની વિગતો છે જે ઘણી ઓછી કહી શકાય. એપ્રિલ-2024 પહેલા થયેલ બુકીંગના આંકડાની વિગતો જાણવા મળી શકી નથી.
કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હોલનુ લોકાર્પણ કરાયુ ત્યારે લોકોને આશા હતી કે હોલનો ભરપુર ઉપયોગ કરવા મળશે અને શહેરના લો કોની સૌથી મોટી સમસ્યામાં હોલથી લાભ મળશે. પરંતુ સ્થિતી અલગ જોવા મળી રહી છે જેમાં હોલનુ બુકિંગ કરવાની સિસ્ટમ, પેમેન્ટ સિસ્ટમ અને ડિપોઝીટ કે રીફન્ડ મેળવવુ લોકોને અઘરુ લાગે છે. કેટલાક કિસ્સામા હોલના ભાડા કરતા અન્ય ચાર્જ લોકોને વધારે લાગી રહ્યો છે. ગત 1લી એપ્રિલ 2024 થી 7મી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં માત્ર 40થી 41 જેટલા કાર્યક્રમોનુ બુકીંગ થયુ હતુ. એ પણ ઓનલાઇન થયા બાદ બુકીંગમાં વધારો જોવા મળ્યો હોવાની વિગતો છે. શરુઆતમાં હોલ નોંધાવા માટે લોકોને છેક અમદાવાદ ઔડાની કચેરીના ધક્કા ખાવા પડતા હતા જેથી લોકોએ દોડધામની જફા વેઠવી પડતા બુકિંગ કરવાનુ ટાળવા લાગ્યા હતા. જોકે હાલ નોંધણી કરાવાની પધ્ધતીમાં સુધારો કરાયો છે અને ઓન લાઇન ઔડાની વેબસાઇટ પર બુકીંગ કરી શકાય છે અને ઓનલાઇમ બુકીંગ શરુ કરાયા બાદ કેટલાક અંશે હોલ બુકીંગમાં વધારો થયો હોવાની વિગતો છે. ઓનલાઇન બુકીંગ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પણ દરેક બુકિંગ કરાવનારને એકાદ ધક્કો તો અમદાવાદનો ખાવો જ પડે છે જેમાં ડિપોઝીટ પાછી મેળવવા માટે કેન્સલ ચેક ફિઝિકલી આપવાનો હોય છે જેથી રુબરુ આપવા જવુ પડે છે અને અરજી આપ્યા બાદ આશરે અઠવાડીયે ખાતામાં રીફન્ડ આવતુ હોવાની વિગતો જાણવા મળી હતી.આમ અત્યાધુનિક સુવિધાયુક્ત ઓડિટોરીયમ હોલને બુકીંગ તથા ડિપોઝીટ રીફન્ડની વ્યવસ્થાઓ સરળ કરવામાં આવે અને દહેગામથી જ તમામ પ્રક્રીયા પુર્ણ થઇ જાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો તમામ લોકો હોલનો વધુને વધુ ઉપયોગ કરતા થશે એમ માનવામાં આવી રહ્યુ છે.


