દેવગઢબારીઆ તાલુકાના ઉજ્જવળ નદી પરના પૂલનું ચોમાસા પહેલા સમારકામ કરી ભારદારી વાહનો માટે પ્રતિબંધ દૂર કરવા અથવા પૂલની નીચે ડાઈવર્ઝન આપવા સ્થાનિક ગ્રામજનો દ્વારા માગ કરાઈ છે.
દેવગઢબારીઆ તાલુકાના છેવાડાના ગામ કહેવાતા મંગોઇ ગામમાંથી પસાર થતી ઉજ્જવળ નદી ઉપર સ્ટેટ હાઇવે બન્યો તે સમયે પૂલ બનાવાયો હતો. જે પૂલ પર થઈને સામે કિનારે ઘોઘંબા તાલુકામાં જવાય છે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂલ ઉપર અનેક ઠેકાણે ધોવાણ થયું હતું, જેને કારણે ભારે વાહનો માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેમજ ભારે વાહનો પસાર ના થઈ શકે તે માટે લોખંડની પાઈપ સાથે ક્લેમ્પ ફીટિંગ કરી નાના વાહનો પસાર થઈ શકે તેટલી જગ્યા છોડીને આડશ બાંધી દેવામાં આવી છે. જેથી હાલમાં આ પૂલ પરથી નાના વાહનો અવર જવર કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદથી અત્યાર સુધી તંત્ર દ્વારા આ પૂલની કોઈ મરામત હાથ ધરવામાં આવેલ નથી. આ પૂલ વર્ષો જૂનો હોઈ નવેસરથી બનાવવાની પણ વાહનચાલકો માંગ કરી રહ્યા છે. પૂલની સામેની તરફના લવારીયા તેમજ વાંસ ગામના ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું મુશ્કેલ બન્યુ છે.
https://sandesh.com/maru-saher-maru-gaam


