રેલવે સંપતિને નુકશાન અને ચોરી કરનાર ૧૦3, ટિકિટના કાળાબજારમાં ૧૪ લોકોની ધરપકડ
ટ્રેનમાં ભૂલી ગયેલા મુસાફરોને રૂ.3૮.૯૮ લાખનો સામાન પરત કરાયો : ટ્રેન વ્યવહારને અસર કરનાર ૪૪૧ સામે કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026) દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
મુસાફરી દરમિયાન વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનને સુરક્ષિત રીતે પરત કરવામાં RPF એ નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26માં 352 મુસાફરોનો અંદાજે ₹38,98,484 ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યો હતો. ઓપરેશન નન્હે ફરિશ્તે અભિયાન હેઠળ 27 એવા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ કોઈ કારણસર સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા. ઓપરેશન ડિગ્નિટી અભિયાન અંતર્ગત 12 વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ વિવિધ સંજોગોમાં પોતાના સ્વજનોથી અલગ થઈ ગયા હતા.
રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં ચોરીના 35 કેસોમાં 103 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રેલ વ્યવહારમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ચેઈન પુલિંગના 446 કેસ નોંધાયા હતા અને 441 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. રેલવે ટિકિટોના કાળાબજાર પર અસરકારક અંકુશ લગાવતા આ અભિયાન હેઠળ 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ટિકિટોના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. મુસાફરોના સામાનની ચોરીના કિસ્સામાં સતર્ક કાર્યવાહી કરતા 4 કેસમાં 7 આરોપીઓને ઝડપી પાડી સરકારી રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા, જેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. RPF દ્વારા મુસાફરો અને સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તમામ RPF પોસ્ટ અને ચોકીઓ પર બેનરો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાતો, ગામના સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. આ દરમિયાન રેલવે લાઈન ક્રોસ ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો અટકાવવા, નશાખોરી, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્વના વિષયો પર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ડિવિઝન RPFની આ સિદ્ધિ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની તેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”


