દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો સૌથી કડક તબક્કો GRAP-4 લાગુ કર્યો છે. તેના પગલે શાળાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી શિક્ષણ નિર્દેશાલયના 13 ડિસેમ્બરના આદેશ મુજબ, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં શાળામાં હાજરી અથવા ઓનલાઈન વર્ગ લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
ખાનગી શાળઓ પર લાગુ
આ નિર્ણય દિલ્હી સરકાર, NDMC, MCD અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ હેઠળની તમામ સરકારી, સહાયિત અને ખાનગી શાળાઓ પર લાગુ પડશે અને આગામી સૂચના સુધી અમલમાં રહેશે. ઓનલાઈન વર્ગોમાં ભાગ લેવો કે નહીં તે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના વિવેક પર રહેશે.
હવાની ગુણવત્તા બની ગંભીર
હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચતા આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, રવિવાર સવારે દિલ્હીમાં AQI 462 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. શનિવારે સાંજે AQI 448 હતો અને છેલ્લા 24 કલાકનો સરેરાશ AQI 349 ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો હતો.
અગાઉના નિયમો યથાવત
GRAP-4 લાગુ થતાં અગાઉના GRAP-3ના તમામ નિયમો યથાવત રાખવામાં આવ્યા છે અને તેની સાથે વધુ કડક પ્રતિબંધો ઉમેરવામાં આવ્યા છે. દિલ્હીમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જોકે LNG, CNG, ઇલેક્ટ્રિક અને BS-VI ડીઝલ વાહનોને છૂટ આપવામાં આવી છે. સાથે સાથે દિલ્હી-NCRમાં બાંધકામ, ખાણકામ અને સ્ટોન ક્રશર જેવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી છે, કારણ કે તે પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત ગણાય છે.
ખાનગી ઓફિસોને 50 ટકા ક્ષમતાથી કાર્ય કરવા સૂચના
આ ઉપરાંત સરકારી અને ખાનગી ઓફિસોને 50 ટકા ક્ષમતાથી કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે અને બાકીના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા અમલમાં રહેશે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટનું કહેવું છે કે ‘ગંભીર પ્લસ’ સ્થિતિમાં આ પગલાં જાહેર આરોગ્યના રક્ષણ અને પ્રદૂષણની અસર ઘટાડવા માટે અનિવાર્ય છે.


