- ત્રણ વર્ષમાં ફેક્ટરી અકસ્માતોમાં 714 શ્રામિકોના જીવ ગયા
- પાદરાની દવા ફેક્ટરી બંધ કરાવી 3 મૃતક માટે 90 લાખ વળતર અપાવ્યું : સરકાર
- રાજ્યમાં ફેક્ટરીઓમાં કુલ 8 હજાર જેટલા બોઇલર પણ કાર્યરત છે
રાજ્યમાં મોટા અકસ્માતોની શક્યતા ધરાવતી 570 જેટલી અતિ જોખમી ફેક્ટરીઓ આવેલી છે, જે પૈકી એકલા ભરૂચ જિલ્લામાં 97 અને વડોદરા જિલ્લામાં 89 ફેક્ટરીઓ છે, તદુપરાંત રાજ્યમાં ફેક્ટરીઓમાં કુલ 8 હજાર જેટલા બોઇલર પણ કાર્યરત છે, ત્યારે આ અતિ જોખમી ફેક્ટરીઓ અને બોઇલર્સનું વખતોવખત સેફ્ટી ઓડિટ કરી અકસ્માતો નિવારવા માટે જરૂરી પગલાં લેવાની માગણી વિધાનસભામાં બુધવારે કરાઈ હતી, જેના અનુસંધાનમાં આવી ફેક્ટરીઓનું વખતોવખત ઇન્સ્પેક્શન થતું હોવાનો જવાબ શ્રામ અને રોજગાર વિભાગ સંભાળતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો.
ગત 31મી જન્યુઆરીએ બપોરે પોણા બે વાગે વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામે ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનું ઉત્પાદન કરતી ખાનગી કંપની ઓનેરિયો લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડમાં સર્જાયેલા પ્રાણઘાતક અકસ્માત અંગે વિધાનસભામાં આવેલી તાકીદની જાહેર અગત્યની બાબતની ચર્ચા વખતે ઉપરોક્ત માગણી થઈ હતી.


