- ખંભાતના પૂર્વ સ્ન્છની ભાજપમાં ઘરવાપસી
- મોટીસંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો
- ચિરાગ પટેલના વિજય સરઘસમાં પાછો આવીશ તેમ કહી
ખંભાતમાં છેલ્લા 32 વર્ષના ભાજપના શાસન બાદ પ્રથમ વાર ચિરાગ પટેલે ઘરમાં ગાબડું પાડી વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. ત્યારબાદ થોડા સમય બાદ તેઓએ એકાએક કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું હતું અને રવિવારે તેઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરી પોતાના મૂળ ગોત્ર ભાજપમાં ફ્રીથી પ્રવેશ મેળવ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના કાર્યકરોએ પણ પંજાને આવજો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ચરોતર 42 ગામ ચરોતર કડવા પાટીદાર સમાજની વાડીમાં રવિવારે બપોરે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી મૂળ ગોત્ર ભાજપમાં પરત ફ્રેલા ચિરાગ પટેલે જણાવ્યું હતું કે ખંભાતનો દરેક નાગરિક કે મારો પરિવાર છે. તેમજ ભાવુક થઈ ખંભાતના મીઠા પાણીના પ્રશ્નનો જલ્દીથી નિરાકરણ લાવવા પ્રદેશ અધ્યક્ષ સમક્ષ માગણી કરી હતી. જ્યારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે ચિરાગભાઈએ મને ખંભાતમાં ફ્રીથી આવવા માટે આમંત્રણ આપ્યું છે પણ હવે હું ચિરાગભાઈ પટેલના વિજય સરઘસમાં પાછો આવીશ તેમ કહી તેમની વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે તેમની સાથે આણંદ જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના બે ટર્મના સભ્ય અને નોટરી અમરસિંહ ઝાલા, આણંદ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ માયાવંશી, આણંદ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ પૂર્વ પ્રમુખ ચિરાગ મકવાણા, નગરપાલિકા કાઉન્સિલર મનીષ ખારવા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
બોરસદમાં કોંગી દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા
બોરસદ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બોરસદ તાલુકા એપીએમસીના વાઈસ ચેરમેન અને કોંગ્રેસ જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ કા. પટેલ(વિરસદ), ખેતી બેન્ક ચેરમેન રમેશભાઈ રાયપરા (બનેજડા), આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જગદીશ ઠાકોર, વિરસદ તા. પં. સદસ્ય મહેશકુમાર કા. પટેલ, દાવોલ તાલુકા પંચાયત સભ્ય રમણભાઈ ગોહેલ સહિત વિધાનસભા વિસ્તારના 51 ગામો અને બોરસદ શહેરમાંથી કુલ 3,150 કરતા વધુ આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસને આવજો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.


