દિલીપ ગોહિલ… ગુજરાતી પત્રકારત્વમાં એક અનન્ય જ વ્યક્તિત્વ. ગુજરાતે મોટા ગજાના અનેક પત્રકારો આપ્યા છે. પરંતુ દિલીપ ગોહિલ આ શ્રેણીમાં કંઈક જુદી જ ભાત પાડનારા હતા. તેમની સાથેની વાતચીતમાં અંગ્રેજી ભાષામાં વાક્યપ્રયોગો જવલ્લે જ સાંભળવા મળે. ગુજરાતીમાં તેઓ રસાળ. છતાં ફ્રેન્ચ સાહિત્યમાં વાસ્તવવાદનું અદભૂત આલેખન કરનારા 19મી સદીના નોવેલિસ્ટ ગુસ્તાવ ફ્લોબ અને તેમના જ સમકાલીન તથા રશિયાના પ્રખર સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી ઉપરાંત આ સદીના મહાન લિંગ્વીસ્ટ અને અમેરિકાની વિદેશનીતિના કટ્ટર વિવેચક, ટીકાકાર નોમ ચોમ્સ્કીને દિલીપભાઈ એટલી જ સાહજિકતાથી, સચોટપણે ટાંકી શકનારા. વ્યક્તિ તરીકે અત્યંત સ્પષ્ટ, ઊંડી સમજ ધરાવનારા અને ઉદ્ધતાઈનો અણસારસુદ્ધાં ન આવે તે પ્રકારે સ્પષ્ટવક્તા હતા. તેઓ એક નિસબત ધરાવતા પત્રકાર હતા અને ગુજરાત પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ છતાં ગુજરાતની અસ્મિતાથી વિમુખ પણ કશુંક જણાય તો તે બોલી દેવામાં, કહી દેવામાં સહેજે છોછ રાખતા નહીં. પણ દુઃખની વાત એ પણ છે કે, ગુજરાતી ભાષાના અનેક આવા પત્રકારો જ્યારે ચિર વિદાય લે છે ત્યારે ભાગ્યે જ તેમની સક્ષમ નોંધ લેવાય છે.
દિલીપભાઈ, તમે અકાળે વિદાય લીધી છે. ઈહલોકમાં જે ખુશી અને સંતોષ તમને સતત મળ્યાં કર્યા તે જ તમને પરલોકમાં પણ પ્રાપ્ત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના.
#Aum shanti