ભગવાન ગણેશનું આ પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આવેલું છે. ભારતના મધ્ય પ્રદેશમાં ઘણાં પ્રાચીન-અર્વાચીન મંદિરો આવેલાં છે.
તેમાંથી કેટલાંક મંદિરો ઉજ્જૈનમાં પણ આવેલાં છે. આ મંદિરોમાં ભગવાન ગણેશજીનું જે પ્રાચીન મંદિર આવેલું છે, તેનું નામ `ચિંતામન ગણશે મંદિર’ છે. આ મંદિર મહાકાલેશ્વર મંદિરથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે.
આ પ્રાચીન મંદિર ચિંતામન ગણેશના નામથી વિશેષ પ્રખ્યાત છે. ભગવાન ગણેશજીના આ પ્રખ્યાત મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિઓ સ્થાપિત થયેલી જોવા મળે છે. ચિંતામન ગણેશ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં શ્રી ગણેશ ત્રણ-ત્રણ સ્વરૂપોમાં એકસાથે બિરાજમાન છે. આ ત્રણ સ્વરૂપો ચિંતામન ગણેશ, ઈચ્છામન ગણેશ અને સિદ્ધિવિનાયક તરીકે ઓળખાય છે. આ મંદિરને લઇને અેવી માન્યતા છે કે, આ ત્રણ રૂપના ભગવાન ગણેશજીમાં ચિંતામન ગણેશજી ચિંતાઓ દૂર કરે છે, ઈચ્છામન ગણેશજી ઈચ્છાઓ પૂરી કરે છે અને સિદ્ધિવિનાયક ગણશે રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે. અહીં એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ગણેશજીની આવી અદ્ભુત અને અલૌકિક મૂર્તિ દેશમાં અન્ય ક્યાંય પણ જોવા મળતી નથી. આ મંદિરની સ્થાપના સ્વયં ભગવાન શ્રીરામે કરી હતી એવી પણ દંતકથા અહીં પ્રચલિત જોવા અને સાંભળવા મળે છે. અહીં આવનાર ભક્તોની બધી ચિંતાઓ દૂર થાય છે અને તેઓ ચિંતામુક્ત બને છે. આ મંદિરમાં બુધવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડે છે.
શ્રી ચિંતામન ગણેશ મંદિર એ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન ગણેશના વિશાળ મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશની મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે. અહીં ભગવાન ગણેશજીને ચિંતામન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ ચિંતામનની બાજુમાં બિરાજમાન છે, જે ભક્તોની તમામેતમામ ચિંતાઓ દૂર કરનાર છે. આ મંદિરનો ઇતિહાસ 11મી અને 12મી સદીનો માનવામાં આવે છે. આ દરમિયાન અહીં માળવા પર પરમારોનું શાસન જોવા મળતું હતું. મંદિરમાં આવેલા સભામંડપમાં બારીક કોતરણીવાળા પથ્થરના સ્તંભો અને સફેદ ગર્ભગૃહ મંદિરની ભવ્યતામાં વિશેષ વધારો કરે છે.
આ મંદિરમાં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળે છે. ભારતભરમાંથી ભક્તો આ મંદિરમાં આવીને પોતાની બધી ચિંતાઓ દૂર થાય એવી બાધા લઇને આવે છે. બાધા પૂર્ણ થતાં તેઓ ફરીથી ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવા પૂરા ભક્તિભાવથી અહીં આવે છે. મંદિરમાં રહેલા પૂજારીઓના જણાવ્યા પ્રમાણે ભક્તો તેમની મનોકામનાઓ પૂરી કરવા માટે અહીં માનતા તો રાખે જ છે, સાથે સાથે ઊંધો સ્વસ્તિક પણ બનાવે છે. માનતા માટે દૂધ, દહીં, ચોખા અને નાળિયેર જેવી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ચઢાવવામાં આવે છે અને જ્યારે તેમની ઈચ્છા પૂરી થાય છે, ત્યારે તે જ વસ્તુનું અહીં દાન કરવામાં આવે છે. તેમજ તેમની માનતા પૂરી થાય છે ત્યારે તેઓ સીધો સ્વસ્તિક બનાવે છે.
ચિંતામન ગણેશજીના મંદિરમાં હિન્દુ તહેવારો પણ ખૂબ જ ભક્તિભાવથી અને ધામધૂમથી ઊજવવામાં આવે છે. જોકે, ગણેશ ચતુર્થીના અવસરે અહીં ભારતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ગણેશનાં દર્શન કરવા આવે છે. વર્ષ દરમિયાન આવતા રક્ષાબંધન તહેવારમાં અહીં મોટાભાગની મહિલાઓ ભગવાન ગણેશજીને રાખડી અર્પણ કરે છે અને પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે વિધ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરે છે.
આ તહેવારો ઉપરાંત ચૈત્ર મહિનામાં જાત્રા ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાના પહેલા બુધવારે આ તહેવારની શરૂઆત કરવામાં આવે છે. સમગ્ર મહિનાના બુધવારે વિશેષ પૂજા-અર્ચના અને અનુષ્ઠાનથી ઊજવવામાં આવે છે. આ મહિનાના પહેલા બુધવારે મંદિરમાં ફૂલો અને પ્રાકૃતિક વસ્તુઓ દ્વારા આકર્ષક શણગાર કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાનને વિશેષ ભોગ પણ અર્પણ કરવામાં આવે છે. આ સાથે લોકો તેમની માન્યતા પૂર્ણ થવા પર ક્વિટલ્સ (માપવાના વાસણ)માં ભોગ અર્પણ કરે છે. તે ચૈત્ર મહિનાના છેલ્લા બુધવારે સમાપ્ત થાય છે. અલબત્ત, મકર સંક્રાંતિના દિવસે પણ મહિલાઓ આ દિવસે ઉપવાસ કર્યા પછી તલમાંથી બનેલી વાનગીઓ ભગવાન ચિંતામન ગણેશને અર્પણ કરે છે.
ચિંતામન ગણેશ મંદિર કેવી રીતે પહોંચશો?
ભગવાન ચિંતામન ગણેશ મંદિર ઉજ્જૈન શહેરથી થોડા અંતરે આવેલું છે. જો તમે સડક માર્ગથી અહીં આવવા માંગતા હોવ, તો ઉજ્જૈન મધ્ય પ્રદેશ અને પડોશી રાજ્યોનાં મુખ્ય શહેરો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે. શહેરના કોઇ પણ વિસ્તારથી તમે સરકારી કે ખાનગી વાહનો દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. જો તમે રેલમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન ઉજ્જૈન જંક્શન રેલવે સ્ટેશન છે, જે દેશના લગભગ તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર લગભગ 8 કિલોમીટર છે. સ્ટેશનની બહારથી ખાનગી કે સરકારી વાહનો દ્વારા અહીં પહોંચી શકો છો. જો તમે વિમાન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો ઉજ્જૈનનું સૌથી નજીકનું એરપોર્ટ ઇન્દૌરનું દેવી અહલ્યાબાઈ હોલકર હવાઈમથક છે, જે અહીંથી અંદાજિત 60 કિલોમીટરના અંતરે આવેલું છે. એરપોર્ટથી ઉજ્જૈન માટે ટેક્સી અથવા સરકારી બસસેવા સરળતાથી મળી શકે છે.


