ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત
છથી વધારે મુસાફરો ગંભીર રીતે દાઝતા સારવારમાં ખસેડાયા : આગ લાગતા હાઇવે પર ચીચીયારીઓ ગુંજી : તંત્રમાં દોડધામ
અગ્ર ગુજરાત, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે.
બીજી એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ AMTS બસમાં આગ લાગી હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો અને આગ શરૂ થઈ ગઈ હતી. જો કે, ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે.
આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.


