- યુનાઈટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશનનો નિર્ણય
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસન્નતા વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા
- વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં દેશમાંથી એકમાત્ર ધોરડો ગામની પસંદગી
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2006માં ઘોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરાવીને દેશ-દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણ ઊભું કરવામાં સફળતા મેળવ્યા બાદ હવે વિશ્વફ્લક પર આજે ધોરડો પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. ભુજથી 86 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સીમા નજીક માત્ર 700 જેટલી વસતી સાથે સફેદ રણની સાહેબી ધરાવતાં ધોરડોની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશનની વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં પસંદગી કરાઈ છે. આ યાદીમાં દેશમાંથી એકમાત્ર ધોરડો ગામની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં 74 નામ ઉમેરાતા હવે આખા વિશ્વના બેસ્ટ ટૂરિઝમ ગામમાં કુલ 190 ગામ થઈ ગયા છે. આ વર્ષે 260 ગામની અરજીમાંથી ધોરડોની પસંદગી કરાઈ છે. પ્રવાસન વિકાસ અને મૂલ્ય સાંકળ એકીકરણ, પ્રવાસનનું શાસન અને પ્રાથમિકતા, સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, આર્થિક સ્થિરતા, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય સ્થિરતા, સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર અને સંરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, આરોગ્ય, સલામતી અને સુરક્ષા સહિતના નવ મુખ્ય ક્ષેત્રો હેઠળ ગામોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વ્યક્ત કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય તરીકે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે એવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને 2009 અને 2015માં તેમણે લીધેલી ધોરડોની મુલાકાતોની કેટલીક તસવીરો શેર કરી હતી તેમજ બીજા લોકોને ધોરડોની મુલાકાત લેવા પ્રેરણા મળે તે માટે લોકોને તેમની ધોરડોની જૂની મુલાકાતોની યાદો #AmazingDhordoનો ઉપયોગ કરી શેર કરવા આહ્વાન કર્યું હતું.
સિદ્ધિ બદલ પ્રવાસન વિભાગ અને ગુજરાતીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના ધોરડોમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે આજે ગુજરાતને અને કચ્છને વૈશ્વિક ટૂરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છે તે ગુજરાત માટે આનંદની વાત છે. તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને શ્વસુધૈવ કુટુંબકમશ્નો મંત્ર સાકાર કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત પ્રવાસન વિભાગ અને લાખો ગુજરાતીઓને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.