- હાર્દિક પંડ્યાને બનાવાયો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન
- હાર્દિકના ટ્રેડ માટે GT ને 15 કરોડ નહીં વધારે અપાયા
- હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 123 IPL મેચ રમી
IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જવાને લઇ સમાચારમાં છે. પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિકને રોકડમાં સોદો કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. ગત સિઝનમાં (IPL 2023) ગુજરાતની કમાન સંભાળનાર હાર્દિકને ઘણા લોકો MIના કેપ્ટન તરીકે પસંદ શક્યા ન હતા. પરંતુ હવે રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈની ટીમે હાર્દિક પંડ્યા માટે ગુજરાતને 100 કરોડ રૂપિયા આપ્યા છે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાનો હિસ્સો બનાવવા માટે 15 નહીં પરંતુ 100 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી. હાર્દિક પંડ્યાના ટ્રેડથી ગુજરાત ટાઇટન્સને ઘણો ફાયદો થયો છે.
હાર્દિકે IPLની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી
હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો હતો. આ પછી 2022માં યોજાયેલા મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે હાર્દિકને 15 કરોડ રૂપિયાની કિંમત આપીને પોતાનો હિસ્સો બનાવ્યો હતો. ગુજરાતે ટીમની કમાન હાર્દિકને સોંપી અને IPL 2022 દ્વારા ડેબ્યૂ કરનાર હાર્દિક તેની કેપ્ટનશીપ હેઠળ GTને ચેમ્પિયન બનાવ્યું. આ પછી, આગામી સિઝનમાં (IPL 2023), હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી અને રનર-અપ રહી.
MIમાં હાર્દિકની વાપસી
IPL 2024 માટે મિની હરાજી પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે અને એવું જ થયું. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને પછી ફ્રેન્ચાઈઝીએ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો.
હાર્દિકનુ IPL કરિયર
હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 123 IPL મેચ રમી છે, 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે 81 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ ઝડપી હતી.


