- આયોજકોએ 70 ટકા ડિજિટલ પાસ જ્યારે 30 ટકા જ ફિઝિકલ પાસ પ્રિન્ટ કરાવ્યા
- ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટો વેચાયા બાદ મોટાભાગના આયોજકો એલર્ટ
- એન્ટ્રી ગેટ પર ધસારો હોવાથી કેટલાક ઠગો ફાયદો ઉઠાવી જાય છે
આ વર્ષે નવરાત્રિમાં લાઇવ કોન્સર્ટની જેમ આયોજકો દ્વારા ‘ડિજિટલ ગરબા પાસ’ ઈસ્યૂ કરવામાં આવી રહ્યા છે. આયોજકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, એન્ટ્રી ગેટ પર લોકોનો ધસારો વધારે હોવાથી ગરબા પાસને ચોક્કસાઈપૂર્વક તપાસવાનો સિક્યુરિટી પાસે ટાઇમ રહેતો નથી. જેનો ફાયદો ઉઠાવીને ડમી પાસ બનાવનાર હજારોની સંખ્યામાં ડુપ્લિકેટ પાસ બનાવીને સસ્તા ભાવે સેલ અથવા લાગતા-વળગતા ગ્રૂપમાં આપીને એન્ટ્રી કરાવતા હોય છે. જેને રોકવા માટે આ વર્ષે આયોજકો ડિજિટલ ગરબા પાસનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. ડિજિટલ પાસમાં આપવામાં આવેલા ક્યૂઆર કોડ એકવાર સ્કેન થયા બાદ બીજી વખત યુઝ કરી શકાતો નથી. આથી તેની કોપી કરવી અશક્ય છે.
‘સંદેશ’ સાથેની વાતચીતમાં ગરબા આયોજક જય પંડયાએ કહ્યું કે, ‘આ વર્ષે પ્રીમિયમ ગરબાનું આયોજન કરનારા 70 ટકા આયોજકો દ્વારા ડિજિટલ પાસ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. બીજું કે ફિઝિકલ પાસમાં સ્પોન્સર્સના લોગો અને નામ પાસની સાઇઝ મુજબ અમુક મર્યાદામાં જ લઈ શકાય છે જ્યારે ડિજિટલ પાસમાં તમે ઈચ્છો એટલા સ્પોન્સર્સના નામ લોગો સાથે લઈ શકો છો, જેના કારણે તમે એક કરતા વધારે સ્પોન્સર્સને સાચવી શકો છો.
ક્યા દિવસના કેટલા પાસ વેચાયા, કેટલું ક્રાઉડ આવ્યું ? સહિતનો તમામ ડેટા મળી જાય છે
આજનો યુગ ડેટાનો છે ત્યારે ગરબા આયોજકોને કેટલા પાસ ઈસ્યૂ થયા, ક્યા દિવસના પાસ વધારે ઈસ્યૂ થયા છે સહિતનો ડેટા મળી જાય છે. જેના કારણે ક્યા દિવસે ક્રાઉડ વધારે રહેશે તેની માહિતી મળી જતાં મેનેજમેન્ટ લેવલ પર નિર્ણયો લેવામાં કે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી ક્લોઝ કરી દેવા જેવી બાબતોમાં મદદરૂપ સાબિત થાય છે. ઘણા પ્રાઈવેટ ગરબા આયોજકોએ તો વેન્યૂથી લઈ આર્ટિસ્ટની ડિટેઇલ સહિતની માહિતી ક્યૂઆર કોર્ડમાં આપી દીધી છે. જેના કારણે ખેલૈયાઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
ડિજિટલ પાસની કોસ્ટિંગ માત્ર 20થી 50 પૈસા જ
ફિઝિકલ પાસની કોસ્ટિંગ 3 રૂપિયાથી 10 રૂપિયા સુધી જાય છે. બીજુ કે પ્રિન્ટિંગ કરનારી વ્યક્તિએ 10 હજાર પાસના પ્રિન્ટિંગનો ઓર્ડર આપ્યો હોય, પરંતુ ઘણીવાર પ્રિન્ટિંગ કરનાર લોકો 12 હજાર પાસ છાપી દે છે જેના કારણે આયોજકોને ઘણીવાર ખોટ જતી હોય છે. બીજું કે ડિજીટલ પાસનું કોસ્ટિંગ માત્ર 20થી 50 પૈસા જેટલું થાય છે, જેના કારણે નાના આયોજકોને પણ તેનો સીધો લાભ મળે છે.