કેતન મિસ્ત્રી, ચિત્રલેખા,મુંબઈ
એક સમયે તંત્રીઓ, પત્રકારો એવું લખતા કે ફલાણા સમાચારની હજી તો શાહી સુકાઈ નથી ત્યાં આ સમાચાર. હજી 10 ડિસેમ્બરે અમારા જીગરી દોસ્ત પત્રકાર, નાટ્યલેખક, નવલકથાકાર નીલેશ રૂપાપરાનું અકાળ અવસાન થયું. એની વિદાયના સમાચારની શાહી હજી તો સુકાઈ નથી ત્યાં નીલેશના અને અમારા સૌના જીગરી દોસ્ત દિલીપભાઈ ગોહિલના સમાચાર આજે વહેલી સવારે મનીષ મહેતાએ આપ્યા. આમ તો ૪-૫ દિવસથી મનીષ તથા સુનીલ જોશી ભાવનગરની હોસ્પિટલમાં એડમિટ દિલીપભાઈની તબિયતના અપડેટ્સ આપતા હતા, ઑક્સિજન લેવલ પણ કાબૂમાં આવી ગયેલું, પણ શનિવારની મધરાતે કાળમુખા કાર્ડિયાક અરેસ્ટે શ્વાસ ખુટાડ્યા.
ક્લિશે લાગે તો ભલે, પણ કહેવું છે કે મન હજી માનતું નથી કે દિલીપભાઈ હવે આપણી વચ્ચે નથી, કેમ કે હજી ગયા મહિને જ દિલીપભાઈ નીલેશના પરિવારજનોને મળવા મુંબઈ આવેલા ત્યારે મારા ઘરે આવેલા ને કલાકો સાથે બેસીને જૂની યાદો વાગોળી. દિલીપભાઇનો પ્રથમ પરિચય ૧૯૮૦ના દાયકામાં એ ‘સમકાલીન’માં જોડાયા ત્યારે. હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળના ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથના આ ગુજરાતી દૈનિકમાં દિલીપભાઈએ રોજિંદાં કામ ઉપરાંત ‘સાજઅસબાબ‘ શીર્ષક હેઠળ વિવિધ વિષય પર અઠવાડિક કલરફુલ પુરવણીઓ કાઢીને એમની કમાલ બતાવેલી. તે પછીનો મુકામ હતો ‘ઈન્ડિયા ટુડે‘ની ગુજરાતી એડિશન. પછી તો એ અમદાવાદ આવ્યા.
દિલીપભાઈના પરિચયમાં આવનાર દરેકને એમની સહજતા અને સરળતા સ્પર્શી જતી. પત્રકારત્વ ક્ષેત્રે આવનારાં પરિવર્તનને એ આગોતરા પારખી ગયેલા ને એ દિશામાં આગળ વઘ્યા.
પ્રિન્ટ,ઈલેક્ટ્રોનિક, ટીવી, ડિજિટલ એમ લગભગ દરેક માધ્યમમાં પોતાનો કસબ દાખવનાર દિલીપભાઈની ખોટ ગુજરાતી પત્રકારત્વ જગતને જણાશે.
પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે અને એમના પરિવારને આ અચાનક આવી પડેલા આઘાતને સહન કરવાની શક્તિ એ જ પ્રાર્થના.