- વડાપ્રધાનની કેરળના પલક્કડમાં રોડ શો બાદ તમિલનાડુમાં જાહેરસભા
- તમિલનાડુ નક્કી કરી ચૂક્યું છે કે 19 એપ્રિલે એક-એક વોટ ભાજપને, એનડીએને જશે
- જેની હત્યા થઇ હતી તે કાર્યકરને યાદ કરી પીએમ ભાવુક થયા
લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનું મિશન દક્ષિણ જારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે કેરળના પલક્કડમાં રોડશો કર્યા બાદ તમિલનાડુના સેલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભામાં તેમણે રાજ્યમાં સત્તારૂઢ ડીએમકે પર નિશાન સાધતાં કહ્યું હતું કે એનડીએને જે સમર્થન મળી રહ્યું છે તેનાથી ડીએમકેની ઊંઘ ઊડી ગઇ છે. તમિલનાડુમાં ભાજપને મળી રહેલું જનસમર્થન આખો દેશ જોઇ રહ્યો છે. તમિલનાડુ નક્કી કરી ચૂક્યું છે કે 19 એપ્રિલે એક-એક વોટ ભાજપને, એનડીએને જશે. વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે હજુ તો ચૂંટણી અભિયાનની શરૂઆત છે ત્યાં વિપક્ષી ગઠબંધનની યોજના મુંબઇની તેમની પહેલી રેલીમાં જ ઉઘાડી પડી ગઇ. તેઓ કહે છે કે હિન્દુ ધર્મની જે શક્તિઓમાં આસ્થા હોય છે તે શક્તિઓનો તેમણે વિનાશ કરવો છે. હિન્દુ ધર્મમાં શક્તિ કોને કહે છે એ તમિલનાડુની દરેક વ્યક્તિ જાણે છે. ઇન્ડી અલાયન્સના લોકો જાણીજોઇને વારંવાર હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે ડીએમકે અને કોંગ્રેસનું વિપક્ષી ગઠબંધન કોઈ અન્ય ધર્મનું અપમાન નથી કરતું, તેઓ કોઈ અન્ય ધર્મ વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી પરંતુ હિન્દુ ધર્મને ગાળો આપવામાં એક સેકન્ડ પણ બગાડતા નથી. હિન્દુ ધર્મમાં શક્તિનો અર્થ થાય છે માતૃશક્તિ, મહિલા શક્તિ… પરંતુ વિપક્ષી ગઠબંધન કોંગ્રેસ અને ડીએમકે કહી રહ્યા છે કે તેઓ શક્તિનો નાશ કરશે પણ દેશની મહિલાશક્તિની દરેક સમસ્યા સામે મોદી ઢાલ બનીને ઊભો છે. પીએમ મોદીએ તેમની સરકાર દ્વારા મહિલા સશક્તીકરણ માટે શરૂ કરાયેલી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આજે સલેમનો રમેશ નથી : જેની હત્યા થઇ હતી તે કાર્યકરને યાદ કરી પીએમ ભાવુક થયા
સલેમની જાહેરસભામાં પીએમ મોદી 10 વર્ષ પૂર્વે ભાજપના જે કાર્યકરની હત્યા થઇ હતી તેને યાદ કરીને ભાવુક થઇ ગયા હતા. તેમણે થોડી પળો માટે ભાષણ રોકી દીધું હતું. કાર્યકરને યાદ કરતા મોદીએ કહ્યું કે હું ઓડિટર રમેશને નહીં ભૂલી શકું. દુર્ભાગ્યે રમેશ આજે આપણી વચ્ચે નથી. તેણે પક્ષ માટે દિવસ-રાત સખત મહેનત કરી. તે સારો વક્તા પણ હતો. હું તેને શ્રાદ્ધાંજલિ અર્પણ કરું છું.


