હવે થોડા દિવસો બાદ વર્ષ બદલાઈ જશે. આ સાથે ઘણા નિયમો પણ બદલાઈ જશે. આવામાં ઘણા કામો કરવાની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર આપવામાં આવી છે. આ કામ તમે કરી લેશો તો વાંધો નહીં પણ જો ચુકી જશો તો તમારે મોટા નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
આજે આપણે આ અહેવાલમાં એવા કામો વિશે જાણીશું જેની ડેડલાઈન 31 ડિસેમ્બર છે. ડિસેમ્બર 2025નો મહિનો નાણાકીય પાલન અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો તમે હજુ સુધી કેટલાક મહત્ત્વના કાર્યો પૂરા કર્યા નથી, તો તરત ધ્યાન આપો.
એડવાન્સ ટેક્સની અંતિમ તારીખ
જો તમારી અંદાજિત કુલ કર જવાબદારી, TDS (ટેક્સ ડિડક્શન એટ સોર્સ) કાપ્યા બાદ પણ રૂપિયા 10,000 થી વધુ હોય, તો તમારા માટે એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. આ માટેની અંતિમ તારીખ 15 ડિસેમ્બર, 2025 છે. આવામાં આ કામ કરવા માટે તમારી પાસે માત્ર 5 દિવસ જ છે.
પાન-આધાર લિંકની છેલ્લી તક
જો તમારો આધાર કાર્ડ 1 ઓક્ટોબર, 2024 કે તે પહેલાં બનેલું હોય, તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે. લિંક ન કરવા પર 1 જાન્યુઆરી, 2026 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, જેનાથી બેંકિંગ, રોકાણ અને ITR ફાઇલિંગ જેવા કાર્યો અટકી જશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. તમે આવકવેરાના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છે.
PM આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ
જે લોકો પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રૂપિયા 2.5 લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે, તેમના માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
બિલેટેડ ITR ફાઇલિંગ
નાણાકીય વર્ષ 2024-25 માટે જો તમે હજૂ સુધી આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી, તો તમે દંડ (લેટ ફી) સાથે ફાઇલ કરી શકો છો. આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. જો તમારી આવક રૂપિયા 5 લાખથી ઓછી છે તો તમારે રૂપિયા 1,000 લેટ ફી ભરવી પડશે. આ સાથે જો તમારી આવક રૂપિયા 5 લાખ કે તેથી વધુ છે તો તમારે રૂપિયા 5,000 લેટ ફી ભરવી પડશે.
રેશન કાર્ડ ઈ-કેવાયસી (e-KYC)
ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં રેશન કાર્ડની e-KYC કરાવવા માટે ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે ડિસેમ્બર સુધીમાં e-KYC નહીં કરાવો, તો જાન્યુઆરી 2026 થી તમને રેશન મળવાનું બંધ થઈ શકે છે. આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. તમે નજીકની રાશન દુકાન અથવા CSC સેન્ટર પર ઈકેવાયસી કરાવી શકો છો. આ સાથે તમે માય રાશન એપ પરથી પણ ઈકેવાયસી કરાવી શકો છો.


