દર્શનના ઘણા પ્રકાર છે. આપે જોયું હશે કે જ્યારે કોઈ નવું દેવાલય બને છે, મંદિર બને છે ત્યારે એમાં ભગવાન રામની, રાધા-કૃષ્ણની કે પછી જે પણ આપણા ઈષ્ટ હોય એની મૂર્તિ પધરાવીએ છીએ.
શિવલિંગ હોય અને એના ઉપર ક્યારેક ક્યારેક શિવજીનો મૂર્તિ-વિગ્રહ પણ આપણે સ્થાપિત કરીએ છીએ, ત્યારે એક વિધિ છે. પ્રતિષ્ઠા ઉત્સવના જે મુખ્ય યજમાન હોય છે અથવા તો જે વ્યક્તિ આખા ઉત્સવનું કેન્દ્ર હોય છે, એમણે મૂર્તિની સાથે દૃષ્ટિ મેળવવી પડે છે. આચાર્ય મંત્ર બોલે છે. સોમપુરા જે હોય છે એમની એ વિદ્યા છે; એ માર્ગદર્શન આપે છે તથા આપણી દૃષ્ટિ અને જે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેની દૃષ્ટિનું લેવલ બનાવવામાં આવે છે, દૃષ્ટિ મેળવવી પડે છે. અમારા તલગાજરડાના રામજી મંદિરમાં જ્યારે મૂર્તિ-પ્રતિષ્ઠા થઈ ત્યારે હું એ વિધિનો સાક્ષી બન્યો છું. એ દર્શનને સમ્યક દર્શન કહે છે. ન સાવ નિકટ, ન બહુ દૂરી. સમ્યક એટલી દૂરી પર રહીને આપો કે ઠાકુરનાં પૂરેપૂરાં દર્શન કરી શકીએ અને ઠાકુરની નજર પણ આપણને ધન્ય કરી દે. જેવી રીતે આપણે ભગવાન સોમનાથનાં દર્શન માટે જઈએ; દ્વારિકાધીશનાં દર્શન માટે જઈએ, તો ત્યાં એક મર્યાદા હોય છે, ત્યાંથી જ આપણે દર્શન કરીએ છીએ. એ એક વ્યવસ્થા પણ છે અને દર્શનની એક અવસ્થા પણ છે.
એક તો સમ્યક દર્શન. બીજું છે નિકટ દર્શન. જેવી રીતે પૂજારી કરે છે; એ ચરણસ્પર્શ કરશે; પૂજા કરશે; ઠાકોરજીનો શણગાર કરો; નજીકથી ઠાકોરજીને દર્પણ દેખાડશે; ખુદ એનાં દર્શન કરશે. એ છે નિકટ દર્શન. એ પણ એક દર્શન છે. ત્રીજું છે દૂરદર્શન. અલબત્ત, એ ઠાકુર-પરમ તત્ત્વ દૂરથી પણ દૂર છે. નિકટથી પણ નિકટ છે, એવી આપણી ઔપનિષદીય ઉદ્ઘોષણા છે. તો દૂરદર્શન, દૂરથી પણ દર્શન કરીએ એ પણ એક મહિમાવંત દર્શન છે.
ચોથું દર્શન મારી સમજ મુજબ છે, ધ્યાનમાં જ છે, ધ્યાનમાં દર્શન, ભગવાન પતંજલિનાં અષ્ટ સોપાનને ચઢતાં-ચઢતાં ધ્યાન સુધી પહોંચીએ. ક્યારેક ક્યારેક પ્રેમમાર્ગમાં પણ સહજ ધ્યાન લાગી જાય છે અને પછી ધ્યાનમાં દર્શન થાય છે. `માનસ’માં એનું પ્રમાણ મળે છે. સુતીક્ષ્ણ એટલા પ્રેમવિભોર થાય છે; નર્તન કરે છે, ગાય છે, પડે છે, પોતાને સંભાળે છે અને પોતાના એ સંતની આવી અતિશય પ્રેમ અવસ્થાને જોઈને ભગવાન એના હૃદયમાં એકદમ પ્રગટ થઈ ગયા અને એ તરત બેસી ગયા ધ્યાનમાં. ભગવાન નિકટ આવી ગયા. હવે ન કોઈ સમ્યક દર્શન, ન નિકટ દર્શન, ન દૂરદર્શન. એ ધ્યાનમાં દર્શન કરી રહ્યા છે. ભગવાનને થયું કે મને તો એ જુએ, હું એને જોઉં, પરંતુ આ તો ધ્યાનમાં ડૂબી ગયો! તો પરમાત્માએ પોતાનું જે સુતીક્ષ્ણનું આરાધ્ય રૂપ હતું એ એના હૃદયમાંથી હટાવી દીધું અને ચતુર્ભુજ રૂપ બતાવ્યું. પછી એ મુનિ એકદમ અકળાઈને ધ્યાનમાંથી બહાર આવે છે અને પ્રભુનાં પ્રત્યક્ષ દર્શન કરે છે. આ પણ એક દર્શન છે, જેને હું ઉર-દર્શન કહીશ; ઉરમાં દર્શન થાય.
`ઉત્તરકાંડ’માં એક અન્ય દર્શન છે ઉદર-દર્શન. કાગભુશુંડિજી ખગરાજ ગરુડને પોતાનો અનુભવ સંભળાવતાં કહે છે કે ભગવાને પોતાનું મુખ ખોલ્યું અને હું એમના મુખમાં ચાલ્યો ગયો અને પરમાત્માના ઉદરમાં મેં અનેક બ્રહ્માંડોનું દર્શન કર્યું. દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જુદા-જુદા; કૌશલ્યા-દશરથ જુદાં, સરજૂ જુદી; અયોધ્યા જુદી, નર-નારી બધાં જુદાં-જુદાં, પરંતુ મેં ઉદરમાં જે પરમાત્માનાં દર્શન કર્યાં એ રામ એક જ છે. ત્યારબાદ એક દર્શન છે કલ્પન દર્શન. માણસ પોતાના આરાધ્યની કલ્પના કરે છે અને પછી અભ્યાસ બાદ એની કલ્પનામાં એ મૂર્તિ ઝળકવા લાગે છે; વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગે છે. એક છે સ્વપ્નદર્શન. માણસને પરમાત્મા સ્વપ્નમાં દર્શન આપે, સંદેશ આપે, આદેશ આપે, સંકેત કરે, ઈશારા કરે. `રામચરિતમાનસ’માં એક પંક્તિ છે,
દરસ પરસ મજ્જન અરુ પાના.
હરઈ પાપ કહ બેદ પુરાના.
ત્યાં એમ લખ્યું છે કે ગંગાનાં દર્શન ત્રિવેણીના દર્શન, પછી પરસ, એનો સ્પર્શ, એમાં સ્નાન કરવું અને એનું પાન કરવું. હું કહીશ કે આ ચારેય દર્શનના પણ પ્રકાર છે. એક તો દર્શન, જે આપણે ચર્મચક્ષુથી કરીએ છીએ, સમ્યક, નિકટ, દૂર. પછી પરસનો અર્થ થાય છે સ્પર્શ કરવો. સ્પર્શ પણ એક દર્શન છે. કોઈ પરમ આપણને સ્પર્શ કરે ત્યારબાદ જે દાન છે; એ કહેવું મુશ્કેલ છે. હું કહીશ એ સ્પર્શદર્શન છે. સાધક એનાથી લિફ્ટ થઈ જાય છે. મજ્જનનો અર્થ છે સ્નાન કરવું, પરંતુ ક્યારેક ક્યારેક ઠાકુરનાં દર્શન કરતાં કરતાં આપણી આંખ ભીંજાઈ જાય; આપણે આંખો બંધ કરી દઈએ; અશ્રૃપાત થવા લાગે અને આંખોના જળથી આપણે બિલકુલ નિમજ્જિત થઈ જઈએ, આપણે એકદમ સ્નાન કરવા લાગીએ; એ છે મજ્જન દર્શન. આપણા ગ્રંથોમાં છે કે ઘણા લોકોને યમુનાજીમાં, સંગમમાં, ગંગાજીમાં ડૂબકી મારતાં જળમાં પ્રભુનાં દર્શન થયાં છે. એવી કથાઓ પણ છે. એ મજ્જન દર્શન છે.
એક છે પાન; જેવી રીતે આપણે યમુનાજીનું પાન કરીએ; ગંગાજીનું, ત્રિવેણીનું, પવિત્ર જળનું પાન કરીએ; આચમન કરીએ, પરંતુ મારી સમજ મુજબ જેવી રીતે આપણે ક્યાંક બેઠા હોઈએ અને કોઈ બુદ્ધપુરુષ પરમાત્માના પ્રેમનું, પરમાત્માના દિદારનું ગાન કરતા હોય અને આપણા કાનેથી એ બધું દર્શન આપણી ભીતર જાય છે. કાનથી, શ્રવણ-પુટથી, શ્રવણના પ્યાલાથી આપણે એ પી રહ્યા હોઈએ અને એ સમયે આપણી સામે બુદ્ધપુરુષના કહેવા મુજબ એક દૃશ્ય શરૂ થઈ જાય છે, એક દૃશ્ય, એક ચિત્ર શરૂ થઈ જાય છે. એમ લાગે કે ઘટના વર્તમાનમાં આપણી ઉપસ્થિતિમાં ઘટી રહી છે; આપણે જોઈ રહ્યા છીએ. એ પાન, એ દર્શન. આવાં અનેક પ્રકારનાં દર્શન છે. આપણી અવસ્થા અનુસાર કોઈ પણ દર્શન થઈ શકે. ગુરુ નાનકદેવ કહે છે,
ઉતર ગયો મેરે મન કા સંસા.
જબ તેં દર્શન પાયા.
ઠાકુર, તુમ શરણાઈ આયા.
ચાહે સમ્યક દર્શન થાય; ચાહે નિકટ, દૂર, કલ્પન, પરોક્ષ, અપરોક્ષ, ઉરમાં, ઉદરમાં, સ્વપ્નમાં, રૂબરૂ, સ્પર્શ કે ભીંજાઈને કે પછી શબ્દબ્રહ્મને સાંભળતાં સાંભળતાં સાક્ષાત્ એ દૃશ્યનું દર્શન થાય. આમાંથી આપણું કોઈ પણ દર્શન ઠાકુર સાથે જોડાઈ જાય તો સંશય ખતમ! પરમાત્માનાં દર્શન થતાં સંશય નાશ પામે છે. `રામચરિતમાનસ’ના ‘ઉત્તરકાંડ’માં લખ્યું છે, ગરુડ જ્યારે આટલો મોટો સંશય લઈને કાગભુશુંડિ પાસે ગયો છે, તો કહે છે મારા સંશય, મારા નાના-મોટા બધા ભ્રમ કેવળ આપના આશ્રમનાં દર્શન કરવાથી દૂર થઈ ગયા.


