- નવી ફેક્ટરી ઝડપાઈ
- મહારાષ્ટ્રમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી
- 107 લિટર પ્રવાહી મેફેડ્રોન કબ્જે
થોડા દિવસો પહેલા અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ તથા DRIની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેકટરી તથા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આજે આ જ ઓપરેશનને વધુ એક સફળતા મળી છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતેથી વધુ એક નાર્કોટીક્સના ઉત્પાદન/સંગ્રહ સાથે સંકળાયેલી એક ફેક્ટરી મળી આવી છે. ફેક્ટરીમાંથી 107 લિટર પ્રવાહી મેફેડ્રોન કબ્જે કરાયું છે જેની બજાર કિંમત આશરે 160 કરોડ હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) શહેર પાસે આવેલા પૈઠણ MI.D.Cમાં શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ફેકટરીમાં જીતેશ હિન્હોરીયા નામની વ્યકિત ગેરકાયદેસર માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવે છે. જેના પગલે ડીઆરઆઈની સાથે સંયુક્ત ઓપરેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને આશરે 250 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે મેળવવામાં આવ્યું હતું.
શું હતો મામલો?
DRI અમદાવાદ ઝોનલ યુનિટ અને ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ પોલીસ, ગુજરાત દ્વારા ચોક્કસ બાતમીના આધારે, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લામાં વિવિધ સ્થળોએ શુક્રવાર, 20.10.2023ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી જીતેશ હિન્હોરીયાના રહેણાંક સ્થળેથી તપાસ હાથ ધરી 23 કિલો કોકેઈન, 2.9 કિલો મેફેડ્રોન અને આશરે રૂ. 30 લાખ રોકડા મળી આવ્યા હતા.
સિન્થેટિક ડ્રગ્સ બનાવ્યું
મુખ્ય ફેક્ટરી, મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ, મેફેડ્રોન અને કેટામાઇનના ઉત્પાદન સાથે સંકળાયેલી હતી. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી જીતેશ હિન્હોરિયાએ બીએસસી અને એમએસસી કર્યા પછી લગભગ 10 વર્ષ સુધી ઔરંગાબાદ અને ગુજરાતમાં અલગ-અલગ કેમિકલ ફેક્ટરીઓમાં કામ કર્યું હતું. આ પછી, તેણે સિન્થેટિક ડ્રગ્સ વિકસાવવાનું શરૂ કર્યું, જેના માટે તેણે વિવિધ એજન્ટોનો ઉપયોગ કર્યો અને લક્ઝરી વાહનોમાં પેકેટો દ્વારા ડ્રગ્સ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, અમદાવાદ, ગોવા અને તમિલનાડુમાં પહોંચાડ્યું હતું.
ગુનો નોંધાયો
વધુમાં, કેટામાઇન જેવી દવાઓ એર ટ્રાન્સફર દ્વારા યુએસ અને યુકેમાં પણ પરિવહન કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, આરોપીએ પૈસાની લેવડ-દેવડ અને નેટવર્ક ચલાવવા માટે આંગડિયા સેવાઓનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એડીસીપીએ એમ પણ ઉમેર્યું હતું કે, હિન્હોરિયાના રહેણાંક પરિસરની તપાસના પરિણામે આશરે 23 કિલો કોકેઈન, લગભગ 2.9 કિલો મેફેડ્રોન અને રૂ. 30 લાખની રોકડ રિકવર કરવામાં આવી હતી. આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર બજાર કિંમત 250 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એડીસીપીના જણાવ્યા મુજબ, અન્ય કંપનીઓ પાસેથી વસૂલવામાં આવેલ કાચો માલ રૂ. 500 કરોડથી વધુ થઈ જાય છે.