- જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો
- ગિરનાર સહિતના સ્થાનો પર લોકો ઉમટ્યા
- મન મૂકીને માણી રહ્યા છે દિવાળીનું વેકેશન
દિવાળીનું વેકેશન શરૂ થતાં જૂનાગઢના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. જૂનાગઢના ઉપરકોટ ગિરનાર સક્કર બાગ સહિતના પર્યટક સ્થળો પર પ્રવાસીઓ દિવાળીનું વેકેશન માણી રહ્યા છે. મહત્વનું છે કે હાલના દિવસોમાં દિવાળીના વેકેશનના લીધે લોકોએ જૂનાગઢના વિવિધ સ્થળો પર ફરવા માટે ભીડ જમાવી છે.
સંત શૂરા અને સાવજોની ધરતી એવા જૂનાગઢમાં દિવાળીના વેકેશન માટે પર્યટકો ઉમટી પડ્યા છે. જૂનાગઢમાં સાવજોના દર્શન સાથે અનેક પર્યટક સ્થળો પર પ્રવાસીઓ મન મૂકીને દિવાળી વેકેશનની મજા માણી રહ્યા છે. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ દિવાળી વેકેશન માટે જૂનાગઢના નવાબી કાળના સકકરબાગ ઝૂમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે સાથે ચાર વર્ષ બાદ રીનોવેટ થઈ અને ખુલ્લા મૂકવામાં આવેલા ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓએ જુદા જુદા સ્થળોની મુલાકાત લઈને આનંદની લાગણી અનુભવી છે. આ ઉપરાંત રોપવેની સફર કરી મા અંબેના દર્શન પણ પ્રવાસીઓએ કર્યા છે. દિવાળીના વેકેશન દરમિયાન અનેક પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જામી છે.
દિવાળી વેકેશનમાં લોકો રજાના દિવસોમાં મજા માણવા અનેક પર્યટક સ્થળો પર જતા હોય છે પરંતુ જૂનાગઢમાં ચાર વર્ષ બાદ ઉપરકોટ કિલ્લો ખુલ્લો મૂકાતા ભારે ભીડ પ્રવાસીઓની જામી છે ઉપરકોટ કિલ્લામાં આવ્યા બાદ પ્રવાસીઓને જાણે અન્ય રાજ્યમાં ફરવા આવ્યા હોય તેવું લાગે છે. છેલ્લા પાંચ દિવસમાં ઉપરકોટ જિલ્લામાં 10,000 થી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને રાણકદેવીનો મહેલ અડીકડી વાવ સહિતના સ્થળોની મુલાકાત લઈને વેકેશનની મજા માણી રહ્યા છે સાથે ઉપરકોટમાં પ્રવાસીઓની વ્યવસ્થામાં વધારો કરાયો છે જેમાં પાંચ જેટલા નવા ઈલેક્ટ્રીક વાહનો મૂકવામાં આવ્યા છે.
જેમાં પણ મુસાફરો આખા ઉપરકોટ કિલ્લાને નિહાળી રહ્યા છે અને પ્રવાસીઓનો ધસારો વધતા તંત્ર દ્વારા જુદા જુદા પોઇન્ટો ઊભા કરીને સિક્યુરિટીની વ્યવસ્થા પણ તૈનાત કરી છે. આમ દિવાળી વેકેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પ્રવાસીઓ પર એવા જૂનાગઢમાં ઉમટી પડ્યા છે અને મન મૂકીને વેકેશનની મજા માણી રહ્યા છે.


