- વાહનોનું વેચાણ વધ્યું
- અમદાવાદમાં વાહનોનું ધૂમ વેચાણ
- વિજયાદશમીનું મુહૂર્ત સચવાયું
દશેરાના દિવસે અમદાવાદીઓએ ફરસાણના વેપારીઓની સાથો સાથ વ્હીકલ ડીલર્સને પણ ધૂમ વકરો કરાવી દીધો છે. હકીકતે વાત એમ છે કે ઓક્ટોબરમાં અને એમાં પણ દશેરાના દિવસે સામાન્ય રીતે વાહનોની ધૂમ ખરીદી થતી હોય છે. આ વખતે પણ અમદાવાદીઓએ આ પરંપરા જાળવી રાખી છે અને લગભગ 12 હજારથી પણ વધુ વાહનો ખરીદ્યા છે.
એક એવી માન્યતા છે કે વિજયાદશમીના દિવસે ફાફડા અને જલેબીની સાથે જ બીજી એક વસ્તુનું પણ ધૂમ વેચાણ થતું હોય છે અને એ છે વાહનો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વર્ષના અન્ય મહિનો કરતા ઓક્ટોબરમાં વાહનો અપેક્ષાકૃત સસ્તા હોય છે અથવા તેના પર ઓફરો વધુ હોય છે. એનું એક કારણ નવરાત્રી જેવા તહેવારોનું હોવું પણ છે. જેથી આ નવરાત્રી અને દશેરાના દિવસોમાં વાહનોનું સારૂં વેચાણ થતું હોય છે. આ વખતે પણ અમદાવાદીઓએ આ પરંપરાને જાળવી છે અને એક આંકડાકીય માહિતી પ્રમાણે શહેરમાં 12 હજાર વાહનોના બુકિંગ થયા છે અને રાજ્યભરમાં આ આંકડો અંદાજિત 62 હજારથી વધુનો છે.
લોકોમાં પણ પોતાના પરિવારમાં એક નવા મેમ્બર એટલે કે એક વાહનને આવકારવાનો થનગનાટ હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ડીલર પાસે પોતાની પસંદનું વાહન સ્ટોકમાં ન હોય ત્યારે ખરીદારો એડવાન્સમાં તેનું બુકિંગ કરાવી રાખતા હોય છે, પરંતુ તેની ડિલિવરી તો હંમેશા દશેરાના દિવસે જ લેવાનો તેમનો આગ્રહ હોય છે. આનું કારણ કદાચ ધાર્મિક માન્યતા છે, કેમ કે દશેરા એ બુરાઈ પર અચ્છાઈના વિજયનો દિવસ છે અને એટલે શુભ દિવસ માનવામાં આવે છે. આ વખતે જો કે એક વસ્તુ આ વાહનોની ડિલિવરીમાં અનોખી છે. આ વખતે પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે વાહનોની સાથે જ ખરીદદારોને તેમની નંબર પ્લેટ પણ સાથે લગાડીને આપવામાં આવશે. વાહનોની નંબર પ્લેટ માટે ગ્રાહકોને હવે રાહ જોવાની જરૂર નથી.
આ વખતે રાજ્યમાં વાહનોના વેચાણના આંકડા સારા આવ્યા છે. એક આંકડાકીય માહિતી પ્રમાણે રાજ્યભરમાં 62 હજારથી વધુ વાહનોના વેચાણનો અંદેશો છે. આમ આ વખતે ફાફડા અને જલેબીની સાથે જ વાહનોનું પણ ગુજરાત અને અમદાવાદમાં ધૂમ વેચાણ થયું છે.