રાજકોટ સહિત રાજયમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 2 BHK ફાળવાશે
૨૦,૪૦૦થી વધારે નવા આવાસની મંજૂરી, ૨૬૦૪ કરોડની બજેટમાં કરાયેલી જોગવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વિધાનસભામાં ગૃહ અને ન્યાય વિભાગ માટે ₹16,967 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ માટે નવા ૨-BHK આવાસો અને પોક્સો ગુનાઓમાં ઝડપી તપાસ દ્વારા દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે.
આ અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે ₹14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે ₹2,702 કરોડ મળી કુલ ₹16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. સંઘવીએ ઉમેર્યું કે, “ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે.” ભૂપેન્દ્ર પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય.
દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1-BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2-BHKના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ પરિવારોને 45,000થી વધુ આવાસો સોંપી દેવાયા છે. હાલ રૂ. 2,604 કરોડના ખર્ચે નવા 8,104 આવાસો તૈયાર થઈ રહ્યા છે.


