- વૈજ્ઞાનિકોએ આ આંચકાઓ પછી એલર્ટ જાહેર કર્યું છે
- સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને સાબદાં રહેવાની અપીલ
- દક્ષિણ કેલિફોર્નિયાના કર્ન કાઉન્ટીમાં ગત મંગળવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
દક્ષિણ કેલિફોર્નિયાના કર્ન કાઉન્ટીમાં ગત મંગળવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ એક નવી સમસ્યા સર્જાઈ ગઈ છે. ભૂકંપ પછી આ વિસ્તારમાં સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. આ ભૂકંપ પછી અત્યાર સુધી 400 કરતાં વધુ નાના આંચકા અનુભવાયા છે. અચાનક આવી રહેલા આ નાના-નાના આંચકાઓને લીધે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. વૈજ્ઞાનિકોએ આ આંચકાઓ પછી એલર્ટ જાહેર કર્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વધુ તીવ્રતા ધરાવતા ભૂકંપ પછી આવા આફ્ટર શોક્સ અનુભવાતા હોય છે. લોકોને સાબદાં રહેવાની સલાહ તંત્રએ આપી હતી.
બેકર્સફીલ્ડ પાસે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ કેલિફોર્નિયાના બેકર્સફીલ્ડ પાસે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી કર્ન, લોસ એન્જેલસ અને વેંચુરા કાઉન્ટીમાં લોકોમાં નાસભાગ મચી હતી. આ ભૂકંપ રાત્રે નવ વાગ્યાની આસપાસ આવ્યો હતો. જેનું કેન્દ્ર લોસ એન્જેલસથી આશરે 90 મીટર ઉત્તરે હતું. ત્યારબાદ 48 કલાકમાં 400થી વધુ નાના આંચકા અનુભવાયા હતા. આમાં 74 આંચકાની તીવ્રતા 2.5 અથવા આના કરતાં વધુ નોંધાઈ હતી.
ધરતીકંપના આંચકા ત્રણ કેટેગરીમાં વહેંચાયા
ભૂકંપ પછી આવતા આંચકાઓને ત્રણ જુદીજુદી શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. ફોર શોક, મેન શોક અને આફ્ટરશોક. મંગળવારે આવેલા ધરતીકંપ એક મુખ્ય ભૂકંપ હતો. જ્યારે આની પછી આવેલા આંચકા આફટર શોક હતા. મુખ્ય ભૂકંપ પથી આવતા આંચકા સામાન્ય રીતે હળવા હોય છે અને કેટલાક દિવસોની અંદર બંધ થઈ જતા હોય છે. જો કે આવા મામલે એલર્ટ રહેવાની જરૂર છે.
સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને સાબદાં રહેવાની અપીલ
તંત્રએ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. લોકોને ભૂકંપ દરમિયાન સુરક્ષિત સ્થાન પર જવાની સલાહ આપી છે અને આંચકા આવે તો તરત બહાર નીકળી જવાની અપીલ કરવામાં આવી છે. તંત્રએ કહ્યું કે ભૂકંપ પછી આંચકાથી બચાવ માટે યોગ્ય તૈયારી અને સતર્કતા જરૂરી છે. તંત્રએ લોકોને ગભરાવા કરતાં એલર્ટ રહેવાની અપીલ કરી છે.


