- ગુજરાતના શિક્ષણવિભાગને લઈ મોટા સમાચાર
- તમામ જિલ્લાઓમાં DEO-DPEOની જગ્યાઓ ભરાશે
- શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી મોટી જાહેરાત
ગુજરાતના શિક્ષણ જગતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારમાં શિક્ષણ વિભાગના મંત્રી કુબેર ડિંડોરે એક મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO અધિકારીઓ મળશે.
આ મામલે માહિતી પ્રમાણે ગુજરાતના હાલ તમામ જિલ્લાઓમાં શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓની જગ્યાઓ ભરેલી નથી. એક માહિતી પ્રમાણે રાજ્યમાં હાલમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે.જેના કારણે અધિકારીઓ પર વહીવટી ભારણ ઊભું થઈ જતું હોય છે. શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતને સારી રીતે સંતોષી તેનું સ્તર ઊંચુ લાવવા માટે તેના ખાસ અને પૂર્ણકાલીન અધિકારીઓ હોવાથી જે-તે જિલ્લામાં આ વિભાગની કામગીરીના સંચાલનમાં એક સરળતા આવશે અને તેનું સ્તર ચોક્કસપણે સુધારવાની દિશામાં કાર્ય થશે.
મહત્વનું છે કે દિવાળી પહેલા હાલમાં સરકાર અનેક મોટા નિર્ણયો લઈ રહી છે. ખાસ કરીને કર્મચારીઓના વેતન અને ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરીને સરકારે તેમને દિવાળી પહેલા જ ગિફ્ટ આપી દીધી છે. ત્યારે હવે શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. એક રીતે જોતા શિક્ષણ વિભાગ માટે આ સારા સમાચાર કહી શકાય તેમ છે. આ નિર્ણય અનુસાર દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામા આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. જેનો સીધો અર્થે એ થાય છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂંક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. વહીવટી ચાર્જને કારણે અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે ડીઇઓ અને ડીપીઇઓ વહીવટી કામગીરીના હવાલાથી તેની સાથે જોડાયેલા હોય છે. જેથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે. જો કે હવે સરકારના આ નિર્ણયથી આ વ્યવસ્થા સુધરે તેવી આશા બંધાઈ છે.