- મોસ્કો દૂતાવાસ આ મુદ્દે કાર્યરત, કેટલાક ભારતીયો સૈન્ય છોડી ચૂક્યા છે
- સેનામાં સામેલ થવા રશિયા પહોંચેલા ભારતીયોના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા
- નવેમ્બર 2023થી 18 ભારતીયો રશિયા-યૂક્રેન સરહદે ફસાયેલા છે
નોકરીની લાલચમાં રશિયન સૈન્યમાં ફસાયેલા ભારતીયોના કેસમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે મંત્રાલયે રશિયન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. મંત્રાલયે મોસ્કો સમક્ષ આ મુદો ઉઠાવ્યા પછી અનેક ભારતીય નાગરિકો રશિયન સેના છોડી પણ ચૂક્યા છે. આ પહેલાં કેટલાક મીડિયા અહેવાલમાં દાવો થયો હતો કે અનેક ભારતીયો રશિયન સેનામાં કાર્યરત છે. કેટલાક ભારતીયો તો યૂક્રેન સરહદે તૈનાત છે. મીડિયા અહેવાલ મુજબ આ ભારતીયોને લાખો રૂપિયાની નોકરીની લાલચ આપીને બોલાવવામાં આવ્યા હતા અને સેનામાં ભરતી કરી દેવામાં આવ્યા હતા.
મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે તેમને કેટલાક ક્ષતિપૂર્ણ મીડિયા અહેવાલ મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક ભારતીયો રશિયન સેનામાંથી મુક્ત થવા મદદ માંગી રહ્યા છે. આવા તમામ કેસની વિગત મોસ્કો ખાતેના ભારતના દૂતાવાસને પહોંચતી કરવામાં આવેલી છે. દૂતાવાસે આ મુદ્દે રશિયન સરકાર સમક્ષ ઉઠાવતાં કેટલાક ભારતીયો મુક્ત પણ થઈ ચૂક્યા છે. ભારતીય નાગરિકોને રશિયન સેનાની સેવામાંથી મુક્ત કરાવવા સરકાર અગ્રિમતાના ધોરણે કામ કરી રહી છે.
લાખો રૂપિયાના વેતનની લાલચમાં ફસાયા
મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોને રશિયન સૈન્ય કંપનીઓમાં સહાયક તરીકે કામ કરવાની ઓફર થઈ હતી. બદલામાં લાખો રૂપિયાના વેતનની ઓફર હતી. ઊંચા વેતનની લાલચમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીરના યુવાનો રશિયા પહોંચી ગયા હતા. તેમને રશિયન સેનામાં સામેલ કરીને સરહદે તૈનાત પણ કરી દેવાયા છે. હવે તેવા ભારતીયો રશિયન સૈન્યની સેવામાંથી મુક્તિ માટે ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સેનામાં સામેલ થવા રશિયા પહોંચેલા ભારતીયોના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા છે. આના કારણે તેઓ રશિયામાં ફસાઈ ગયા છે. નવેમ્બર 2023થી 18 ભારતીયો રશિયા-યૂક્રેન સરહદે ફસાયેલા છે.


