યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા રાજય સરકાર હરકતમાં આવી
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચાઓ તેજ બની છે અને માર્ચના અંતિમ અઠવાડીયામાં આ વિધેયક વિધાનસભામાં લાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા તેના માટે સમિતિની પણ રચના કરી છે જે અભ્યાસ બાદ સમયાંતરે રિપોર્ટ પણ કરી રહી છે.
દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચર્ચાઓ તેજ બની છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અગાઉથી આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ રચી ચૂકી છે, જે વિવિધ વર્ગોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે.
સૂત્રોનું માનવું છે કે, સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા વીકમાં વિધાનસભા સત્રમાં UCC સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ રજૂ કરી શકે છે. અને તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હક જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે એકસરખા નિયમો લાગુ થશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત પણ UCC અમલમાં લાવનાર રાજ્યોમાં સામેલ થઈ શકે તેવી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
ઇટાલિયાએ પ્રશ્નોત્તરી કાળમાં મંત્રીઓ લાંબા જવાબ આપતા હોવાનો અને સભ્યો દ્વારા અભિનંદન તથા રાજકીય ટિપ્પણીઓ થતા સમય બગડતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એક કલાકના પ્રશ્નકાળમાં અગાઉ વધુ પ્રશ્નોની ચર્ચા થતી હતી, જ્યારે હવે ખૂબ ઓછા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, જેથી પ્રશ્નકાળની અસરકારકતા ઘટી રહી છે.


