- પાછલા ત્રણ વર્ષમાં પાંચ કાર્યક્રમો માટે AMTSની 5,072 બસો ભાડે લીધેલી
- ઉઘરાણીથી થાકી AMC હવે AMTSને લોન જમા લેવા હિસાબી હવાલો પાડશે
- આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબત અંગેની દરખાસ્ત રજૂ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) પાસેથી સ્પેશિયલ વર્ધી માટે બસ સેવા પૂરી પાડવા માટે માગણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા નાના- મોટા કાર્યક્રમો માટે AMTS પાસેથી બસ સેવા મેળવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે કુલ 5,072 સ્પેશિયલ વર્ધીની બસ લેવામાં આવી હતી અને તે માટે અંદાજે રૂ. 3 કરોડ 10 લાખ જેટલું બિલ હજુ સુધી સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી અને હવે રૂ. 3 કરોડ, 10 લાખની રકમ હવે AMC દ્વારા AMTSને લોન જમા ખર્ચી પેટે આપવા માટેની દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. AMCની તિજોરી પર વધારાનું ખર્ચ ભારણ ન આવે તે હેતુસર આ રકમ સરકાર પાસેથી વસૂલવા માટે વિપક્ષે માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, પાંચ મોટા સરકારી કાર્યક્રમો માટે બસ સેવા પૂરી પાડવા રૂ. 1 કરોડ, 33 લાખનો ખર્ચ થયો હતો.
હાલ AMTS પાસે કુલ 600 બસ છે અને તે પૈકી 40 થી 50 % જેટલી બસ ફાળવવાને કારણે AMTSની બસ રદ કરવામાં આવે છે અથવા બસની ફ્રીકવન્સી ઘટાડી દેવાના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સરકારી કાર્યક્રમો માટે ફાળવાયેલી સ્પેશિયલ બસ વર્ધીના નીતિ- નિયમો મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યા છે અને તા. 1 એપ્રિલ, 2021થી તા. 31 માર્ચ, 2023 સુધીના સમયગાળા દરમિયાન રૂ. 3,10,45,250ની રકમ AMC દ્વારા AMTSને આપેલ લોન પેટે જમા લેવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે અને આ હેતુસર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં તે અંગેની દરખાસ્ત રજૂ કરાશે.