યુરોપ વર્ક પરમીટના નામે ઠગ ઇમિગ્રેશન ટોળકીનું 3.28 કરોડનું કૌભાંડ
દિલ્લીની ઇમિગ્રેશન ટોળકીએ 78 ઉમેદવારોના દસ્તાવેજો અને ફી મેળવી ત્રણ મહિનામાં પરમીટનો વાયદો કર્યો; બે વર્ષ સુધી બહાનાબાજી બાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદેશ જવા ઇચ્છુક યુવાનોને યુરોપમાં વર્ક પરમીટ અપાવવાના નામે દિલ્લીની એક કથિત ઇમિગ્રેશન ટોળકીએ કરોડો રૂપિયાની ઠગાઈ આચર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ચલાવતી એક મહિલાનો સંપર્ક કરી ત્રણ મહિનામાં યુરોપના વિવિધ દેશોમાં વર્ક પરમીટ અપાવી દેવાની લાલચ આપી 78 ઉમેદવારોના દસ્તાવેજો અને ફી મેળવી કુલ રૂ.3.28 કરોડ પડાવી લીધા હોવાની ફરિયાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. બે વર્ષ સુધી સતત વાયદા, ખોટી ખાતરીઓ અને નકલી દસ્તાવેજો આપી આખરે વિઝા સબમિશન પણ ન કરાવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
જામનગર રોડ પર શ્રીજી પાર્ક–1માં રહેતી મિત્તલબેન વિજયકુમાર સુરજીવાલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી અયોધ્યા ચોક નજીક 150 ફૂટ રિંગ રોડ પર ધ વન વર્લ્ડ–ડી બિલ્ડિંગમાં “કે.એમ. ઇમિગ્રેશન કન્સલ્ટન્સી” નામે ઇમિગ્રેશનનો વ્યવસાય ચલાવે છે. વિદેશમાં નોકરી કરવા ઇચ્છુક લોકોને દસ્તાવેજી પ્રક્રિયા પૂરી પાડવાનું અને અન્ય કંપનીઓ સાથે બીટુબી પદ્ધતિથી કામ કરવાનું તેઓનું કામ હતું.
ફરિયાદ મુજબ 12 ઓક્ટોબર 2023ના રોજ દિલ્લીની ગ્યાનગતિ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતી સિનિયર સ્ટુડન્ટ કાઉન્સિલર નેહા ગુપ્તાએ વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો અને ઇઝરાયેલમાં એગ્રીકલ્ચર વર્ક પરમિટ અંગે માહિતી મોકલી હતી. શરૂઆતમાં ઇઝરાયેલ માટેના વર્ક પરમિટનું કામ આપ્યું હતું, પરંતુ બાદમાં ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે કામ શક્ય નહીં હોવાનું કહી આરોપીઓએ તે માટે લેવાયેલા પૈસા પરત કરી દીધા હતા. આ પગલાંથી મિત્તલબેન અને તેમની ટીમમાં આરોપીઓ પ્રત્યે વિશ્વાસ ઉભો થયો હતો.
પછી આરોપીઓએ યુરોપના દેશોમાં વર્ક પરમીટ અપાવવાની નવી ઓફર આપી હતી. આ માટે મિત્તલબેન દિલ્લીમાં તેમની ઓફિસે ગયા હતા, જ્યાં કંપનીના ડિરેક્ટર અજય મોહનપાલ, વિકાસ સૈની, નેહા ગુપ્તા અને શ્વેતા સાહુ સાથે મુલાકાત થઈ હતી. આ મીટિંગ દરમિયાન આરોપીઓએ ત્રણ મહિનામાં વર્ક પરમીટ અને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ ભરોસાના આધારે સૌપ્રથમ ઓસ્ટ્રિયા માટેના એગ્રીકલ્ચર વર્ક પરમિટનું કામ આપવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કે 52 ઉમેદવારોના દસ્તાવેજો અને ફી આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ દેશોમાં વર્ક વિઝા માટે કુલ 78 ઉમેદવારોના દસ્તાવેજો અને રકમ આરોપીઓને આપવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રિયા માટે 48 ઉમેદવાર, નોર્વે માટે 17, કેનેડા માટે 5, લક્ઝમબર્ગ માટે 2, ફ્રાંસ માટે 1, નેધરલેન્ડ માટે 1, સ્લોવાકિયા માટે 2 અને હંગેરી માટે 2 ઉમેદવારોનો સમાવેશ થતો હતો.
આ તમામ ઉમેદવારોની ફી અને પ્રક્રિયા માટે આરોપીઓને અલગ અલગ બેંક ખાતાઓમાં રૂ.1,04,20,143 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટના ઈન્દિરા સર્કલ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા મારફતે રૂ.1,87,65,237 અને ડીકે આંગડિયા મારફતે રૂ.37 લાખ મોકલવામાં આવ્યા હતા. આ રીતે કુલ રૂ.3,28,82,500ની મોટી રકમ આરોપીઓને ચૂકવવામાં આવી હતી.
પરંતુ ત્રણ મહિનામાં વર્ક પરમિટ અપાવવાનો વાયદો પૂર્ણ થયો નહોતો. ઉમેદવારો દ્વારા વારંવાર પૂછપરછ શરૂ થતાં આરોપીઓ સમય પસાર કરવા માટે જુદા જુદા બહાના આપતા રહ્યા. ઝૂમ મીટિંગ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમાં લઈ ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે તેવી ખાતરી આપવામાં આવતી હતી. એટલું જ નહીં, કંપનીના લેટરહેડ પર નવેમ્બર 2024 સુધીમાં વિઝા સબમિશન પૂર્ણ થઈ જશે તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી હતી.
આ બાદ 48 ઉમેદવારોને ઓસ્ટ્રિયા એમ્બેસી, નવી દિલ્હીમાં વિઝા સબમિશન માટે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. પ્રથમ બેચના સાત ઉમેદવારો 12 ડિસેમ્બર 2024ના રોજ સબમિશન માટે દિલ્લી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં આરોપીઓએ જુદા જુદા બહાના બતાવી તેમને પરત મોકલી દીધા હતા. ત્યારબાદ ફરી 21 ડિસેમ્બર 2025ના રોજ બીજી બેચ સાથે આવવા જણાવ્યું હતું, પરંતુ બીજી વખત પણ વિઝા સબમિશન કરાવ્યું ન હતું.
આ દરમિયાન આરોપીઓએ 30 માર્ચ 2025 સુધીમાં સમગ્ર રકમ પરત આપી દેવાની લખિત ખાતરી પણ આપી હતી, પરંતુ તે પણ ફક્ત કાગળ પર જ રહી હતી. બાદમાં આરોપીઓ ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા અને મોબાઈલ બંધ રાખતા હોવાને કારણે શંકા વધુ ગાઢ બની હતી.
ફરિયાદી દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓએ ઓસ્ટ્રિયા એમ્બેસી, નવી દિલ્હીના નામે મોકલેલા ઈમેઇલ તથા એપોઇન્ટમેન્ટ લેટર પણ બોગસ હતા. આ અંગે એમ્બેસી સાથે સંપર્ક કરતા સમગ્ર દસ્તાવેજો નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો.
વર્ક પરમિટ મળવામાં ભારે વિલંબ થતા ઉમેદવારો દ્વારા પોતાની રકમ પરત માંગવાની માંગણી શરૂ થઈ હતી. દબાણ વધતાં મિત્તલબેને પોતાની તથા પરિવારની સોનાની જ્વેલરી વેચીને આશરે રૂ.30.50 લાખ ઉમેદવારોને પરત આપ્યા હતા. ઉપરાંત ઉમેદવારોને રિફંડ આપવા માટે ઘર અને ઓફિસ પર લોન લેવા પણ અરજી કરવી પડી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.
આ સમગ્ર મામલે મિત્તલબેને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગ્યાનગતિ પ્રા.લિ., બેડોન એજ્યુકેશન કન્સલ્ટન્સી તથા કંપનીના ડિરેક્ટર અજય મોહનપાલ, વિકાસ સૈની, નેહા ગુપ્તા, શ્વેતા સાહુ, સ્વાતિ મોહપાલ, મનપ્રીત સંધુ અને મોનીકા સૈની સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર કૌભાંડ અંગે તપાસ શરૂ કરી છે. આરોપીઓ દ્વારા અન્ય શહેરોમાં પણ આવી જ ઠગાઈ આચરાઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે નાણાંકીય ટ્રાન્ઝેક્શન, બેંક એકાઉન્ટ તથા ડિજિટલ પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


